એથ્લીટ અંજુ બૉબી જ્યોર્જે મોદીને કહ્યું, મને `જલન’ થઈ રહી છે !
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એથ્લીટ અંજૂ બોબી જ્યોર્જના મનની વાત સાંભળી હતી. દિલ્હી સ્થિત વડાપ્રધાન આવાસ પર નાતાલ કાર્યક્રમ દરમિયાન એથ્લીટે એક બાજુ જ્યાં પોતાના સમય દરમિયાન રમતની સ્થિતિ અંગે જણાવ્યું તો બીજી બાજુ તેણે નીરજ ચોપડાની જીત પર આખા ભારતમાં ઉજવણી થવાની વાત પર જલન વ્યક્ત કરી હતી ! આ સાંભળી સામે જ બેઠેલા વડાપ્રધાન મોદી હસવા લાગ્યા હતા. અંજુએ કહ્યું કે એક ખેલાડી તરીકે ૨૫ વર્ષથી હું બધું જોઈ રહી છું. પહેલાની તુલનામાં અત્યારે ઘણો ફેરફાર થઈ ગયો છે. જ્યારે ૨૦ વર્ષ પહેલાં મે ભારત માટે વૈશ્વિક સ્તરે પહેલો મેડલ જીત્યો હતો ત્યારે મારો વિભાગ મને પ્રમોશન આપી રહ્યો ન્હોતો. આ પછી જ્યારે નીરજ ચોપડાએ મેડલ જીત્યો ત્યાં સુધીમાં રમત ક્ષેત્રે ઘણા ફેરફાર થઈ ગયા હતા. આખા ભારતે જે રીતે ઉજવણી કરી તેનાથી મને ઘણી જ જલન થઈ હતી. મને લાગે છે કે હું રમત જગતમાં ખોટા સમયે આવી ગઈ હતી ! ઉલ્લેખનીય છે કે અંજુની ગણતરી ભારતની સફળ એથ્લીટ ખેલાડીમાં થાય છે. તેણે વર્ષ ૨૦૦૩માં પેરિસમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં લાંબી કૂદમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.
