નવા વર્ષમાં UKમાં ભણવા જવાનો પ્લાન હોય તો આટલું જાણવું જરૂરી
- કોમનવેલ્થ સ્કોલરશિપ્સ, ચેવેનિંગ સ્કોલરશિપ્સ અને GREAT સ્કોલરશિપ સૌથી લોકપ્રિય છે
- પોતાના ફિલ્ડમાં સૌથી પ્રતિભાશાળી લોકોને સ્કોલરશિપ્સનો ફાયદો મળી શકે છે
ભારતીય સ્ટુડન્ટમાં વિદેશમાં ભણવાનો અને ડિગ્રી મેળવવાનો ક્રેઝ વધી રહ્યો છે. સ્ટુડન્ટ માટે અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા ઓલ ટાઈમ ફેવરિટ ગણવામાં આવે છે. તાજેતરમાં યુકેમાં એજ્યુકેશનને લઈને થોડી ચિંતા વધી છે છતાં ક્વોલિટી એજ્યુકેશન માટે આ એક સારો દેશ છે. 2024માં કોઈ ભારતીયે યુકેમાં અભ્યાસ કરવાનો પ્લાન બનાવ્યો હોય તો કેટલીક સ્કોલરશિપ્સ વિશે વિચારવું જોઈએ. ફોરેનમાં સારી કોલેજોની ડિગ્રી મેળવવા માટે સ્કોલરશિપ્સ બહુ ઉપયોગી છે. અહીં ત્રણ જાણીતી સ્કોરશિપ્સની માહિતી આપવામાં આવી છે – કોમનવેલ્થ સ્કોલરશિપ્સ, ચેવેનિંગ સ્કોલરશિપ્સ અને GREAT સ્કોલરશિપ.
કોમનવેલ્થ સ્કોલરશિપ્સઃ આ સ્કોલરશિપ બહુ પ્રખ્યાત ગણાય છે અને તે એવા લોકોને મળે છે જેઓ આખી દુનિયામાં કોઈ પોઝિટિવ અસર પાડવા સક્ષમ હોય. કોમનવેલ્થ દેશોના લગભગ 800 સ્ટુડન્ટને આ સ્કોલરશિપ મળે છે જેમાં યુકેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડી કરી શકાય છે.
લાયકાતઃ કોમનવેલ્થ સ્કોલરશિપ માટે ભારતીય સ્ટુડન્ટ પાસે કમસેકમ અપર સેકન્ડ ક્લાસ અંડર ગ્રેજ્યુએટ ઓનર્સ ડિગ્રી હોવી જરૂરી છે. અલગ અલગ સ્કોલરશિપ માટે ધોરણો પણ અલગ છે. આ ફુલી ફંડેડ સ્કોલરશિપ છે જેમાં ટ્યુશન ફી, યુકે આવવા જવાની વિમાન ટિકિટનો ખર્ચ અને રહેવાનો ખર્ચ પણ આવી જાય છે.
અરજી કઈ રીતે કરવીઃ સ્ટુડન્ટે નેશનલ નોમિનેશન એજન્સી, યુનિવર્સિટી અથવા એનજીઓ મારફત અરજી કરવાની હોય છે. તેના માટે કેટલાક ડોક્યુમેન્ટ એટેચ કરવા પડશે. સ્ટુડન્ટે પોતાનો પાસપોર્ટ, એકેડેમિક ટ્રાન્સ્ક્રિપ્ટ, ડિગ્રી સર્ટિફિકેટ, રેફરન્સ અને એક ઓફર લેટર સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં આ એપ્લિકેશનની છેલ્લી તારીખ હોય છે.
Chevening Scholarships: શેવેનિંગ સ્કોલરશિપ્સને ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ દ્વારા ફંડ કરવામાં આવે છે. અત્યંત સોલિડ એકેડેમિક બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોને આ સ્કોલરશિપ્સ મળી શકે છે. તેમાં યુકેની કોઈ પણ યુનિવર્સિટીમાં માસ્ટર્સ ડિગ્રી માટે સંપૂર્ણ નાણાકીય સહાયતા મળે છે.
લાયકાતઃ આ સ્કોલરશિપ્સ હેઠળ ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા બહુ ચુસ્ત હોય છે. તેમાં ઉમેદવારની લીડરશિપની ક્ષમતા, એકેડેમિક દેખાવ અને કમિટમેન્ટને ધ્યાનમાં રાખવામાં આવે છે.
નાણાકીય સહાયતાઃ શેવેનિંગ સ્કોલરશિપ્સમાં ટ્યુશન અથવા પ્રોગ્રામ ફી, જીવનનિર્વાહનો ખર્ચ, યુકેની રિટર્ન ટિકિટ સામેલ છે. તેમાં નેટવર્કિંગ ઈવન્ટ, વર્કશોપ્સ, ટોક્સ, ઈન્ટર્નશિપ અને વોલન્ટિયરિંગની કામગીરી પણ આવરી લેવામાં આવે છે.
અરજી કઈ રીતે કરવીઃ Chevening વેબસાઈટ પર ડ્રોપડાઈન લિસ્ટમાં તમારા દેશને સિલેક્ટ કરીને આ સ્કોલરશિપ માટે અરજી કરી શકો છો. તેમાં Cheveningના લાયકાતના ધોરણો પ્રમાણે આકરી ચકાસણી કરવામાં આવશે. સફળ થયેલા ઉમેદવારોને બ્રિટિશ એમ્બેસીમાં ઈન્ટરવ્યૂ આપવાનો રહેશે.
GREAT Scholarships: ગ્રેટ સ્કોલરશિપ્સ એ યુકે સરકારના ગ્રેટ બ્રિટન કેમ્પેઈન, બ્રિટિશ કાઉન્સિલ અને યુકે હાયર એજ્યુકેશનની સંસ્થાઓ વચ્ચેનું જોડાણ છે. તેમાં ભારત સહિત કુલ 15 દેશોના સ્ટુડન્ટ્સને નાણાકીય સહાય કરવામાં આવે છે.
લાયકાતનું ધોરણઃ આ સ્કોલરશિપ ભારત, પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ, ઈજિપ્ત, ઘાના, ગ્રીસ,, કેન્યા, થાઈલેન્ડ સહિત કુલ 15 દેશોના વિદ્યાર્થીઓને મળી શકે છે. તેમાં એક વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ માટે 10 હજાર ડોલરની ટ્યુશન ફી મળી શકે છે. સ્કોલર્સને આ પ્રોગ્રામના ભાગરૂપે વેલકમ અને નેટવર્કિંગ ઈવન્ટમાં આમંત્રિત કરવામાં આવે છે. દરેક દેશ માટે એપ્લિકેશનની પ્રક્રિયા અલગ અલગ છે. ગ્રેટ સ્કોલરશિપ્સની વેબસાઈટ પર જાવ અને અલગ અલગ યુનિવર્સિટીની માહિતી મેળવો. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ પણ વેબસાઈટ પર જ આપેલી છે.