- ૧૫૦ ફૂટ રોડ પર નિયમ વિરુદ્ધ ખડકાયેલી ઈંડાની રેંકડીનું દબાણ મનપાને દેખાયું જ નહીં, આખરે પોલીસે બે ધંધાર્થી સામે ગુનો નોંધી
સાન' ઠેકાણે લાવી દરેક વિસ્તારમાં ઈંડા-નોનવેજની રેંકડી ટ્રાફિકને અડચણરૂપ થાય-લોકોની લાગણી દુભાય તે રીતે ઉભી રહે છે ત્યારે પોલીસ તેની સામે કાર્યવાહી કરી મહાપાલિકાને અરીસો બતાવશે ? ભદ્ર સમાજનો સવાલમહાપાલિકાની દબાણ હટાવ શાખાઘોડાના ડાબલા’ પહેરીને કામ કરતી હોય તેવી રીતે તેને ક્યાંય ઈંડા-નોનવેજની રેંકડી દેખાતી નથી તો પોલીસને કઈ રીતે દેખાઈ ગઈ ?
રાજકોટનો એક પણ વિસ્તાર એવો નહીં હોય જ્યાં ઈંડા-નોનવેજની રેંકડીનું નિયમ વિરુદ્ધ દબાણ ન થઈ ગયું હોય. આ દૂષણ સાથે વૉઈસ ઑફ ડે' દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જે બાદ મહાપાલિકા તંત્રએ ફૂડ શાખા અને દબાણ હટાવ શાખાને દોડાવી હતી. થોડા સમય સુધી કાર્યવાહી પણ કરવામાં આવી પરંતુ સ્થિતિ ફરી એની એ જ થઈ જતાં મહાપાલિકા તંત્રનીનિષ્ઠા’ ઉપર ભદ્ર સમાજે સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. આ બધાની વચ્ચે પોલીસ તંત્રએ દૂષણ સામે લાલ આંખ કરીને ગુના નોંધવા સહિતની કાર્યવાહી કરવાનું શરૂ કરતાં લોકોએ ખુશી સાથે જણાવ્યું હતું કે જે કામ મહાપાલિકાએ કરવાનું હતું તે કામ તે તો કરી જ શકી બલ્કે પોલીસે કરી બતાવ્યું છે !!
તાલુકા પોલીસ મથકના કોન્સ્ટેબલ વિજયગીરી લક્ષ્મણગીરી ગોસ્વામી, એએસઆઈ ડી.વી.ખાંભલા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે ઠાકર ચોક પાસે, નવા ૧૫૦ ફૂટ રિંગરોડ ઉપર પહોંચતાં કટારિયા તરફ જતા રોડ ઉપર ટ્રાફિકજામ થયેલો જોવા મળ્યો હતો. આ જામ ત્યાં ઉભેલી ખીરા એગ્ઝ' નામની ઈંડાની રેકડીને કારણે થયો હોવાનું લાગતાં જ તેના માલિક અસલમ રહીમભાઈ ખીરા (ઉ.વ.૨૩, રહે.દેવપરા મેઈન રોડ) સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંતખીરા એગ્ઝ’ની જ બીજી ઈંડાની રેંકડી ઉપર પણ એટલો જ ટ્રાફિક હોવાને કારણે હેડ કોન્સ્ટેબલ, એન.એમ.શિરોળિયા, કોન્સ્ટેબલ અજયસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેંકડીના માલિક ઈરફાન હુસેનભાઈ સોલંકી (ઉ.વ.૩૨, રહે.કોઠારિયા મેઈન રોડ, નીલકંઠ પાર્ક) સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આ બન્ને રેંકડી એટલી હદે ગેરકાયદેસર ઉભી હતી કે ત્યાંથી વાહનો તો ઠીક બલ્કે લોકોનું પગપાળા જવું પણ મુશ્કેલ બની ગયું હતું.
આ ન્યુસન્સ સામે એ-ડિવિઝન પોલીસ કાર્યવાહી કરશે ?
એ-ડિવિઝન પોલીસ મથકની હદમાં અનેક ઈંડા-નોનવેજની રેંકડીઓ એવી ઉભી રહે છે જે ટ્રાફિકને સતત અડચણરૂપ થાય છે. આવી જ એક રેંકડી હેમુ ગઢવી હોલની પાછળ ઉભી રહે છે જેના દ્વારા આખો રસ્તો રોકી લઈને ટેબલ-ખુરશી ગોઠવી દેવામાં આવ્યા હોવાને કારણે અહીંથી વાહનોનું નીકળવું દુષ્કર બની જાય છે. શું એ-ડિવિઝન પોલીસ આ ન્યુસન્સ સામે તાલુકા પોલીસ મથક જેવી જ કાર્યવાહી કરવાની `હિંમત’ બતાવશે ? તેવો સવાલ ભદ્ર સમાજ પૂછી રહ્યો છે.
પ્ર.નગર પોલીસ મથકની હદમાં તો અગણ્ય ઈંડા-નોનવેજની રેંકડી અડચણરૂપ !
ઉપરોક્ત તસવીરમાં જોવા મળી રહેલી ઈંડા-નોનવેજની રેંકડીઓ તેમજ દુકાન પ્ર.નગર પોલીસ મથકની હદમાં ઉભી રહે છે. ખાસ કરીને ફૂલછાબ ચોક આસપાસ જે પ્રકારે ઈંડા-નોનવેજની રેંકડી તેમજ દુકાનોનું દૂષણ ખડકાયેલું છે તેને દૂર કરવાની હવે મહાપાલિકામાં હિંમત રહેલી નથી એટલા માટે પોલીસ જ હવે આક્રમક બનીને ગુના નોંધવાનું શરૂ કરે તો કમ સે કમ નિયમના દાયરામાં રહીને ઈંડા-નોનવેજનો ધંધો થશે તેવી લોકમાગણી ઉઠવા પામી છે.
યુનિવર્સિટી પોલીસ ગુના નોંધીને થાકી જાય એટલી હદે ગેરકાયદેસર રેંકડીઓ ખડકાયેલી !
જે રીતે તાલુકા પોલીસ મથક દ્વારા ટ્રાફિકને નડતરરૂપ ઈંડાની રેંકડીના ધંધાર્થી સામે ગુના નોંધવામાં આવ્યા છે તેવી જ રીતે જો યુનિવર્સિટી (ગાંધીગ્રામ-૨) પોલીસ મથક દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો સ્ટાફ ગુના નોંધી નોંધીને થાકી જાય એટલી હદે ગેરકાયદેસર અને ટ્રાફિકને અડચણરૂપ રેંકડીઓ ખડકાઈ ગઈ છે. ખાસ કરીને યુનિવર્સિટીના ગેઈટ બહાર પોલીસ ડ્રાઈવ કરે તો ઘણા ધંધાર્થીઓ ઝપટે ચડી શકે છે.
બી-ડિવિઝન, ગાંધીગ્રામ, આજીડેમ સહિતના પોલીસ મથકો પણ આ રીતે ડ્રાઈવ કરે તે જરૂરી
રાજકોટના લગભગ દરેક પોલીસ મથકની હદમાં ટ્રાફિકને અવરોધરૂપ થાય તે રીતે ઈંડા-નોનવેજની રેંકડીઓ ગેરકાયદેસર ખડકાયેલી છે ત્યારે બી-ડિવિઝન, ગાંધીગ્રામ, આજીડેમ સહિતના તમામ પોલીસ મથકો તાલુકા પોલીસ મથકની જેમ ડ્રાઈવ કરે તે જરૂરી હોવાની લોકમાગણી ઉઠવા પામી છે.
દર સપ્તાહે રેંકડી-કેબિનો જપ્ત કરી વાહવાહી' લૂંટતી દબાણ હટાવ શાખા ક્યારે સુધરશે ? મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા શહેરમાં ગેરકાયદેસર ખડકાયેલી ઈંડા-નોનવેજની રેંકડીઓને હટાવવાનો આદેશ અપાયા બાદ પણ સુધરવાનું નામ નહીં લેતી મહાપાલિકાની દબાણ હટાવ શાખા દર સપ્તાહે રેંકડી-કેબિનો જપ્ત કરીવાહવાહી’ લૂંટી લ્યે છે ત્યારે આ જ દબાણ હટાવ શાખાને શહેરમાં ઠેકઠેકાણે ખડકાયેલી ઈંડા-નોનવેજની રેંકડી કેમ નહીં દેખાતી હોય ? જો દબાણ હટાવ શાખાએ કામગીરી કરી હોત તો પોલીસે ગુનો નોંધવાની નોબત ન આવી હોત તે પણ વાસ્તવક્તાિ છે.
