અમેરિકામાં મંદિરની દિવાલ પર ભારત વિરોધી સૂત્રો ચીતરાયા
ખાલીસ્તાનીઓએ ફરી પોત પ્રકાશ્યું
કેલિફોર્નિયાના નિવારકમાં ખાલીસ્તાનવાદીઓ દ્વારા વધુ એક વખત હિન્દુ મંદિરની દીવાલો ઉપર ભડકામણા અને વાંધાજનક સૂત્રો લખાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનને આ ઘટનાને હેટ ક્રાઈમ ગણી તપાસ કરવા પોલીસને અનુરોધ કર્યો હતો.
નેવાર્કમાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના વાસણા શાખાના મંદિરની દીવાલો પર ખાલીસ્તાનના સમર્થનમાં તેમજ વડાપ્રધાન મોદીના વિરોધમાં સૂત્રો લખવામાં આવ્યા હતા. આ ઘટના પ્રકાશમાં આવતા હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને એ અંગે તુરત જ પોલીસ તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ સિવિલ રાઇટસ ને જાણ કરવામાં આવી હતી. સનફ્રાન્સિસકો ખાતેની ભારતની કોન્સ્યુલેટ કચેરીએ પણ બનાવને વખોડીને ભારત વિરોધી પ્રવૃત્તિ આચરતા તત્વો સામે પગલા લેવા માગણી કરી હતી. અત્રે એ યાદ કરવું જરૂરી છે કે હરદીપસિંઘ નીજજરની હત્યા બાદ કેનેડામાં પણ હિન્દુ મંદિરો પર આવા જ સૂત્રો લખાયા હતા અને તોડફોડ કરવામાં આવી હતી.