કાયદાના જાણકારો અને રક્ષકો જ કરે છે નિયમોનો ઉલાળિયો
- જૂની કલેકટર કચેરીથી રોંગ સાઇડમાં હોસ્પિટલ ચોક તરફ આવતા વાહનોને કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે
- હોસ્પિટલથી જામનગર તરફ જવાના રોડ પર અડધો રસ્તો રોકી લે તે રીતે ઊભા રહેતા વાહનો
રાજકોટમા ટ્રાફિક સમસ્યા ઘર કરી ગઈ હોય તેમ રોજે રોજ શહેરના કોઈને કોઈ વિસ્તારમા ટ્રાફિકજામના પ્રશ્નથી વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાતા હોય છે. ત્યારે શહેરના મુખ્ય એવા સિવિલ હોસ્પિટલ ચોકમા પણ આ સમસ્યા લોકોને સતાવી રહી છે. સિવિલ હોસ્પિટલથી જામનગર તરફ જવાવાળા રોડ, ગ્રીનલેન્ડ ચોકડી તરફ, ત્રિકોણબાગ તરફ જવા માટે અહી સર્જાતાં ટ્રાફિકજામથી લોકો પરેશાન થઈ ગયા છે. સિવિલ હોસ્પિટલ ચોકમા બ્રિજ બન્યો છે પરતુ બ્રિજની નીચે ટ્રાફીજામ થવાની સમસ્યા અવાર-નવાર ઉદ્દભવે છે. જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાય છે. મહત્વનુ છે કે, સિવિલ હોસ્પિટલ તરફથી ગ્રીનલેન્ડ ચોકડી તરફ જવા માટે નવી કોર્ટ પાસે ચોકડી પર અવાર-નવાર ટ્રાફિકજામ થાય છે. અહી વોર્ડન ઊભા રહે છે પરતુ સ્થિતિ કાબુમાં આવતી નથી.
તો બીજી તરફ કેટલાક વાહનચાલકો પણ આ ટ્રાફિક સમસ્યા પાછળનુ મૂળ છે. તેનુ એક કારણ એ છે કે, જૂની કલેકટર કચેરીથી કેટલાક વાહનચાલકો રોંગ સાઇડમાં આવે છે. તેઓ કેસરી હિન્દ પુલ પાસેથી ગોળાઈ લઈને ફરવા જતા નથી. જેના કારણે રોંગ સાઇડમાંથી આવતા આવા વાહનચાલકોને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. તેમ પણ મહત્વનુ છે કે, જૂની કલેકટર કચેરી તરફ કોર્ટ બાજુ જવા માટે કેટલાક કાયદાના જાણકારો (વકીલ) અને કાયદાના રક્ષકો (પોલીસ) પણ રોંગ સાઈડમાં આવે છે. જેના કારણે ક્યારેક વાહનો સામ-સામે આવી જાય છે અને પછી સર્જાય છે ટ્રાફિકજામ.
આ ઉપરાત કેસરી પુલ તરફથી આવતા સિવિલ કોર્ટ પાસે બહાર ફોરવ્હિલના થપ્પા લાગેલા હોય છે જેના કારણે પણ ક્યારેક ટ્રાફિક સમસ્યા ઉદ્દભવે છે. મહત્વનુ છે કે, બ્રિજની નીચેના ભાગમા વાહનો પાર્ક કરવામા આવે છે પરતુ સિવિલ કોર્ટની બહાર ઉભી કરી દેવામા આવતી ફોરવ્હિલને કારણે લોકોને ટ્રાફિકમાં ફસાવવાનો વારો આવે છે. તેવુ આસપાસના લોકો કહી રહ્યા છે.
સિવિલ હોસ્પિટલ તરફથી જામનગર રોડ તરફ જવા માટેના રોડ પર ઉભી રહેતી ઇકો કારને કારણે પણ અહી ટ્રાફીક સમસ્યા સર્જાય છે. અહી રોડ પર ઇકો કારના થપ્પા લાગે છે જે અડધો રોડ રોકી લે છે. જો અહીથી કોઈ ફોરવ્હિલ નીકળે તો પાછળ અન્ય વાહનો રોકાઈ જાય છે અને વાહનોની લાઇન લાગે છે. નોંધનીય છે કે, શહેરમા અનેક ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે અનેક બ્રિજ બન્યા પરતુ ટ્રાફિકથી લોકોને હજુ છુટકારો મળ્યો નથી.


