‘ઘાતક’ પીચને કારણે આખી મેચ રદ્દ કરવી પડી !
- ઑસ્ટે્લિયાની બીગબેશ ટી-૨૦ લીગમાં બનેલી ઘટના
ઑસ્ટે્લિયામાં અત્યારે બીગબેશ ટી-૨૦ ટૂર્નામેન્ટ રમાઈ રહી છે. આ ટૂર્નામેન્ટના ચોથા મુકાબલામાં મેલબર્ન રેનેગેડસ અને પર્થ સ્કોચર્સ વચ્ચે ટક્કર થઈ હતી. આ મુકાબલામાં પહેલાં વરસાદનું વિઘ્ન આવ્યું હતું તો રહીસહી કસર ઘાતક પીચે પૂરી કરી દીધી હતી. પીચમાં ખતરનાક બાઉન્સર જોવા મળતા બેટર રમવા માટે સક્ષમ રહ્યા ન્હોતા. બાઉન્સ જોઈને વિકેટકિપિંગ કરી રહેલો આફ્રિકાનો દિગ્ગજ ખેલાડી ક્વિન્ટન ડિકોક પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
બન્ને ટીમો વચ્ચે મેચની ૬.૫ ઓવરની રમત થઈ હતી. સ્કોચર્સે માત્ર ૩૦ રનમાં ૨ વિકેટ ગુમાવી દીધી હતી. જે પછી તમામ જવાબદારી જોશ ઈંગ્લીશ અને આરોન હાર્ડી પર આવી હતી. સ્ટ્રાઈક પર ઈંગ્લીસે ૭ બોલનો સામનો કર્યો હતો. પાંચમો બોલ વધારાના ઉછાળા સાથે વિકેટકિપર ડીકોકના હાથમાં આવ્યો હતો જે પછી માઈકમાં ઈંગ્લીશ કહેતો સંભળાયો હતો કે આ એક મજાક છે.
આ પછી કોમેન્ટેટરો પણ પીચે વિશે ચર્ચા કરવા લાગ્યા હતા. થોડી વાર રમત આગળ ગયા બાદ પીચ અનુકુળ ન હોવાને કારણે મેચ રદ્દ કરવાનો જ નિર્ણય લેવાયો હતો.