રાજકોટના રાજપથ ગણાતા રોડ ઉપર ટ્રાફિક સમસ્યા માંથી શહેરીજનો માંગે છે મુક્તિ
કોટેચા ચોકની ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવામાં અધિકારીઓ નિષ્ફળ
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટ શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફિક સમસ્યા વિકટ બની રહી છે, શહેરની જનસંખ્યા જેટલા વાહનો શહેરમાં ફરી રહ્યા છે, અને જે રીતે વાહન ખરીદીની સંખ્યા વધી રહી છે તે જોતા આગામી વર્ષોમાં શહેરમાં જનસંખ્યા કરતા વાહનોની સંખ્યા વધુ હશે, પાર્કિંગનો અભાવ આજે પણ છે અને દશકા પછી તો શું સ્થિતિ હશે તેની કલ્પના મુશ્કેલ છે, જૂના રાજકોટમાં તો અનેક વિસ્તારોમાં વાહન પ્રવેશ પર પ્રતિબંધ છે. શહેરમાં ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન ઘેરી બનતી જાય છે ત્યારે તેનું નિવારણ લાવવા ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સઘન પ્રયાસો કરી છતાં અમુક વિસ્તારોની ટ્રાફિક સમસ્યા ઘટવાને બદલે વધવા પામી છે. શહેરના મેટોડા જીઆઈડીસી તથા આસપાસના ઈન્ડસ્ટ્રીયલ એરીયાઓમાં હજારોની સંખ્યામાં ઔદ્યોગીક એકમો કાર્યરત છે તેમજ દિવસ રાત આ રોડ ઉપર રાહદારીઓની સતત અવર-જવર રહે છે. ત્યારે આવા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવવા-જવા માટે કાલાવડ રોડ મુખ્ય માર્ગ ગણાય છે. ત્યારે રાજકોટના રાજપથ ગણાતા આ કાલાવડ રોડ ઉપર કોટેચા ચોકમાં ટ્રાફિક સમસ્યાને કારણે રાજકોટની જનતાને ભારે હાલાકી ભોગવી પડી રહી છે.
રાજકોટના રાજપથનો ઉપયોગ કરતાં વાહન ચાલકો શહેરની અંદર પ્રવેશતા કેકેવી ફલાય ઓવરબ્રીજ ઉતરી રાહદારીઓને અન્ય સોસાયટીમાં જવા માટે ટન લેવો પડે ત્યારે કેકેવી ફલાય ઓવરબ્રીજ ઉતરી પ્રિન્સેસ સ્કુલ, અનંત કોમ્પલેક્ષ ચોકમાં જે ડિવાઈડરની વચ્ચે ગેપ છે ત્યાં બેરીકેડ મુકી બંધ કરી દીધેલ છે. જેના કારણે રાહદારીઓને કોટેચા ચોક સુધી જઈ ત્યાંથી ટન લઈ પાછું આવવું પડે છે. જયારે કોટેચા ચોકમાં જતા ત્યાં પણ ટ્રાફિક જામ થવાની સમસ્યા રોજ જોવા મળે છે. વધુમાં કોટેચા ચોકમાં 6 રોડ ભેગા થાય છે, જેમાં મહિલા કોલેજ થી કેકેવી તરફ જતો રસ્તો, કેકેવી ઓવરબ્રિજ તરફ થી કોટેચા ચોક તરફ આવતો રસ્તો તેમજ નિર્મલા રોડ તરફ અને ઇન્દિરા સર્કલ તરફ જતો રસ્તો તેમજ કોટેચા ચોકથી અમીન માર્ગ તરફ જવા માટેનો રસ્તો. આ તમામ રસ્તાનો વાહન ચાલકો ઉપયોગ કરતાં હોય જેના કારણે આંટીઘુંટી ઊભી થાય છે અને આવા આંટીઘુંટીવાળા રસ્તા ઉપર વાહન ચાલકો પસાર થાય છે અને ટ્રાફિક સમસ્યા સર્જાય છે. વાહન ચાલકો ઉપરાંત રાહદારીઓને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે. કોટેચા ચોકમાં જે ટ્રાફિક જામ થવાની કાયમી સમસ્યા રહે છે તો તેનું પણ યોગ્ય નિરાકરણ લાવી રાહદારીઓને મુશ્કેલી ન ભોગવવી પડે તેવી વ્યવસ્થા કરવા આ બાબતે રાજકોટ ચેમ્બર ઓફ કોમસ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ટ્રાફિક વિભાગ સમક્ષ રજુઆત કરવામાં આવેલ હતી. મહાનગરોમાં ટ્રાફિક એક એવી સમસ્યા છે કે, જેના ઉકેલ માટે અનેક પ્રયાસો કરાયા છે છતાં કોઈ ઉકેલ નથી. જો કે, કોટેચા ચોકની આ ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળે તેવો કોઈ રસ્તો કરવામાં હજુ સુધી એક પણ અધિકારી સફળ રહ્યા નથી.

હોસ્પિટલમાં ઇમરજન્સીના દર્દીઓ પણ ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે: સંજયભાઇ પટેલ
કોટેચા ચોકમાં ધારેશ્વર ડેરી ચલાવતા સાંજયભાઈ પટેલે વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કોટેચા ચોક આસપાસ શાળા અને કોલેજના છૂટવાના સમયે બપોરે ટ્રાફિક જામ વધુ થાય છે.ધણી વખત નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં ઇમરજન્સીના દર્દીઓને પણ ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે. કોટેચા ચોકમાં એક સાથે 6 રસ્તા ભેગા થતાં હોય જેના કારણે ટ્રાફિક સમસ્યા વધુ છે,ટ્રાફિક એક સાથે ભેગો થઈ જાય છે ત્યારે આંટીઘુંટી ઊભી થાય છે અને ટ્રાફિક જામ થાય છે.
