કેટલી મોંઘી હતી વેજીટેબલ થાળી નવેમ્બરમાં ? જુઓ
ક્રિસિલના રિપોર્ટમાં ધડાકો, નવેમ્બરમાં થાળી 10 ટકા મોંઘી હતી, અનિયમિત વરસાદ કારણભૂત
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
દેશમાં આ વખતે અનિયમિત વરસાદ રહ્યો હતો અને તેની સામે તહેવારોની સિઝનમાં જોરદાર ડિમાન્ડ રહી હોવાને કારણે વેજીટેબલ થાળી નવેમ્બર માસમાં 10 ટકા મોંઘી થઈ ગઈ હતી અને દેશના સામાન્ય વર્ગની રાડ ફાટી ગઈ હતી. મોદી સરકારની કામગીરીના વખાણ બહુ થાય છે પણ ગરીબો અને મધ્યમ વર્ગના લોકોના રસોડાનો સંઘર્ષ પણ સરકારની નિષ્ક્રિયતાને લીધે રહ્યો છે.
જો કે રેટિંગ એજન્સી ક્રિસિલના તાજા રિપોર્ટમાં રાજકીય સમીક્ષા થઈ નથી પરંતુ મોંઘવારી અને થાળીની કિમત વિષે જાણકારી આપવામાં આવી છે. ઓકટોબર માસ કરતાં નવેમ્બરમાં થાળી વધુ મોંઘી રહી હતી. થોડા સમય પહેલા રિઝર્વ બેન્કના વડા દાસે પણ કહ્યું હતું કે ખાધ્ય મોંઘવારી ચિંતાનો વિષય છે.
અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે અનિયમિત વરસાદને લીધે ખરીફ પાકમાં ઘટાડો થયો હતો. બીજી બાજુ તહેવારોને લીધે ડીમાંડમાં જબરો વધારો રહ્યો હતો. નોનવેજ થાળી પણ 5 ટકા મોંઘી થઈ હતી. ક્રિસિલે પોતાના રોટી-રાઈસ રેટ ઇંડેક્સના અહેવાલમાં આ પ્રકારની માહિતી આપી હતી.
એવી માહિતી પણ અપાઈ છે કે વેજ થાળી મોંઘી થઈ હતી તેની પાછળના કારણોમાં ડુંગળી અને ટામેટાના ભાવમાં ભારે વધારો મુખ્ય રહ્યો હતો. ઓકટોબર કરતાં નવેમ્બર માસમાં આ ચીજોના ભાવ 50 ટકાથી પણ વધુના વધારા સાથે માર્કેટમાં તહેલકો મચાવી રહ્યા હતા.