સાંઢિયા પુલના કામમાં ફરી આવ્યું વિઘ્ન: ટ્રસ્ટને મહાપાલિકા પર નથી ટ્રસ્ટ’ !
પુલને ફોર-લેન બનાવવાનું શરૂ કરાય એટલે વાહનોને ડાયવર્ઝન આપવું પડશે, જો કે તે અપાય તો ભોમેશ્વર મંદિર ટ્રસ્ટની જમીન આવી રહી હોય તેણે આપવાનો કર્યો ઈનકાર: એક પછી એક
બ્રેકર’ આવ્યા બાદ ચાલું મહિને ટેન્ડર પ્રસિદ્ધ કરવા મથામણ
જામનગર રોડ પરનો સાંઢિયો પુલ અત્યંત ખખડી ગયો હોવાની વાતને અંદાજે પોણા બે વર્ષ વીતી ગયા છે છતાં હજુ સુધી આ પુલનું કામ શરૂ થઈ શક્યું નથી. એટલું જ નહીં કામમાં એક પછી એક વિઘ્ન આવી જ રહ્યા છે ત્યારે ફરી એક સ્પીડબ્રેકર આવી પડતાં ટેન્ડર પ્રક્રિયા ખોરંભે ચડી ગઈ છે.
જાણવા મળ્યા પ્રમાણે ૬૦ કરોડના ખર્ચે બ્રિજને ફોર-લેન બનાવવાનું કામ શરૂ કરાય એટલે વાહનોને ડાયવર્ઝન આપવું પડે. ડાયવર્ઝન આપ્યા બાદ રસ્તામાં ભોમેશ્વર મંદિર ટ્રસ્ટની જમીન આવી રહી હોય તેણે પોતાની આ જમીન આપવાનો ઈનકાર કરી દીધો છે. એકંદરે ટ્રસ્ટને મહાપાલિકા પર `ટ્રસ્ટ’ મતલબ કે વિશ્વાસ ન હોય તેવું સ્પષ્ટપણે સૌને લાગી રહ્યું છે !
અગાઉ મહાપાલિકા-રેલવે તંત્ર વચ્ચે પૈસા બાબતે પ્રશ્નો ઉભા થયા હતા જેનો ઉકેલ આવી ગયા બાદ કામ ઝડપથી આગળ વધશે તેવું લાગી રહ્યું હતું પરંતુ એવું બન્યું નથી. જામનગર રોડ પરથી આવતાં વાહનોને ડાયવર્ઝન આપવા માટે એક રસ્તો પસંદ કરાયો છે પરંતુ તે રસ્તામાં ભોમેશ્વર મંદિર ટ્રસ્ટની જમીન આવેલી છે.
આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં રાજવી પરિવાર પણ સામેલ છે પરંતુ ટ્રસ્ટ દ્વારા જમીન આપવામાં આવી રહી ન હોવાની વાત સામે આવી રહી છે. એકંદરે મહાપાલિકા દ્વારા ટ્રસ્ટને બ્રિજ બની ગયા બાદ જમીન પરત કરવાનું પણ કહ્યું છે પરંતુ તે વાતમાં ટ્રસ્ટને ભરોસો ન હોય તેવું બની શકે છે. બીજી બાજુ કપાતના નિયમ આ જમીન પર લાગુ પડી શકે તેમ નથી એટલા માટે હવે ફરી બેઠકો કરવામાં આવશે અને કોઈ પણ ભોગે ચાલું મહિનાના અંત સુધીમાં ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવે તેવી શક્યતા છે.