ગુજરાત પોલીસ માટે દારુ પછી હવે બીજું ટેન્શન સિરપ
-નડિયાદમાં આયુર્વેદિક સિરપ પીધા પછી ૬ લોકોના મોત થયા બાદ રાજ્યભરની પોલીસ જાગી
-અનેક શહેરોમાં દરોડા પાડીને લાખ્ખોનો જથ્થો કબજે કર્યો
રાજકોટ
નડિયાદમાં આયુર્વેદિક સિરપ પીધા પછી ૬ લોકો મોતને ભેટ્યાની ઘટનામાં રાજ્યભરની પોલીસ એલર્ટ થઇ ગઈ છે અને દરોડાનો દોર શરુ કર્યો છે. એક તરફ દારૂનું દુષણ ઓછું થતું નથી અને રોજનો લાખ્ખોનો દારુ પકડાય છે ત્યાં પોલીસ તંત્ર માટે આ બીજી ઉપાધી આવી છે. જે લોકોને દારુમાં પકડાઈ જવાની બીક છે તેવા લોકો આયુર્વેદિક સિરપ પીને નશો કરી રહ્યા છે અને તે અત્યારે જીવલેણ નીવડી રહ્યો છે.
સીરપકાંડ બાદ સીરપના જથ્થાને લઇ રાજ્યભરમાં પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ કરાઇ છે. જેમાં બોટાદ, ભાવનગર, જામનગર, ગાંધીનગર, દ્વારકા, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, ખેડા સીરપકાંડમાં સત્તાવાર મૃત્યુઆંક 6 ઉપર પહોંચ્યો છે. આ તરફ હવે રાજ્યભરની પોલીસ પણ આવી નશીલી અને પ્રાણઘાતક સીરપને લઈ પણ એક્શનમાં આવી છે અને અલગ-અલગ જગ્યાએ કે જ્યાં આ પ્રકારની સીરપનું વેચાણ થતું હોય ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.