વેપારી પાસે રૂ.5 લાખની ખંડણી માંગનાર ટોળકીએ ગે-શોખીનો પાસે પણ નાણાં પડાવ્યા
ઇમિટેશનનો વેપારીને ધમકી આપનાર પૂર્વ કર્મચારી સહિત બે પકડાયા
બ્લૂડ ગે નામની એપ્લીકેશન સાથે જોડાયેલા ટોળકીની આગવીઢબે પૂછપરછ
સામા કાંઠાના ઇમિટેશનનો વેપારીને ધમકી આપી પુર્વ કર્મચારી અને તેના બે મિત્રો સાથે મળી રૂ.5 લાખની ખંડણી માંગ્યાની ઘટનામાં ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં બે શખ્સને પકડી લઇ અન્ય એકની શોધખોળ કરી પૂછપરછ કરતાં આ આ ટોળકીએ બ્લૂડ ગે નામની એક એપ્લીકેશનના આધારે ગે યુવાનોના ગ્રુપમાં સામેલ આ ટોળકીએ કાલાવડના એક શોખીન યુવાનને ફસાવી નાણા પડાવ્યાની પણ વિગતો બહાર આવી રહી છે. પકડાયેલ બંને શખ્સો આવા અન્ય કયા કયા ગુનાહિત કૃત્યની સાથે સડોવાયેલ છે ? તે બાબતે વધુ પૂછપરછ કરવામાં આવી છે.
સામા કાંઠે આડા પેડક રોડ પર અવધપુરી સોસાયટી-૨માં રહેતાં અને રણછોડનગર-૩માં ઉમાવંશી સેલ્સ નામની ઇમિટેશનનની દૂકાન ધરાવતા ચંદ્રકાંતભાઇ મોતીભાઇ જીણજા (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી બી-ડિવીઝન પોલીસે હુશેન કુરેશી, કિશન વાઘેલા તથા દેવાંગ વિરૂધ્ધ પાંચ લાખની ખંડણી માટે ધમકી આપ્યાનો ગુનો નોંધ્યા બાદ તપાસ કરતાં જાણવા મળ્યું કે આ ત્રિપુટી જીજે૦૩એનઇ-૮૩૪૧ નંબરના ‘પ્રેસ’ લખેલા એક્ટીવા વેપારી પાસે રૂબરૂ આવી જો રૂપિયા નહિ આપે તો મારી નાખશે તેવી ધમકી આપી હતી. આ પ્રકરણમાં ક્રાઇમ બ્રાંચના પી. આઈ બી. ટી. ગોહિલ તેમજ બી-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટ સહિતના સ્ટાફે તપાસ કરી કરેલ છે. ભાવનગર રોડ પાસે,ગંજીવાડા શેરી નંબર-૧૫માં રહેતા પૂર્વ કર્મચારી કિશન જેન્તીભાઇ વાઘેલા (ઉ.વ.૨૧) અને હુશેન સલીમભાઇ કુરેશી (ઉ.વ.૨૦)ની ધરપકડ કરી હતી તેમજ અન્ય એક શખ્સ દેવાંગની શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ કિશન, હુશેન અને દેવાંગ મિત્રો છે.
૨૦૧૯માં કિશન વાઘેલા વેપારી ચંદ્રકાંતભાઇ જીણજાની દૂકાનમાં નોકરી કરતો હતો. હાલમાં તેણે મિત્ર હુશેન અને દેવાંગ સાથે મળી આ વેપારી પાસેથી નાણા કઢાવવા કારસો ઘડયો હતો. મોબાઈલ માં તપાસ કરતાં આ બંને શખ્સો ગે એપમાં સામેલ હોવાનું અને એપ્લીકેશનના આધારે ગે યુવાનોના ગ્રુપમાં સામેલ આ ટોળકીએ કાલાવડના એક શોખીન યુવાનને ફસાવી નાણા પડાવ્યાનું પણ ચર્ચાઇ રહ્યું છે જોકે બંનેના રિમાન્ડ માંગવામાં આવ્યા છે અને વિશેષ પૂછપરછમાં ત્રિપુટીનો આ બનાવમાં શું અને કેવો રોલ છે? તેની પણ તપાસ થઇ રહી છે.