26/11 ના મુંબઈના આતંકી હુમલામાં ભોગ બનેલા શહીદોને અપાઈ શ્રધ્ધાંજલિ
દેશની આર્થિક રાજધાની મુંબઇમાં 26/11 2008 ના રોજ ભયાનક આતંકી હુમલો થયો હતો. 26 નવેમ્બર 2023ના રોજ આ આતંકવાદી હુમલાની 15મી વરસી હતી. પરંતુ દેશવાસીઓ આજે પણ આ દિવસને યાદ કરીને કંપી ઉઠે છે. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આ સૌથી મોટો આતંકવાદી હુમલો હતો એમ કહેવું ખોટું નહીં હોય. આ દિવસે શહીદોને શ્રધ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી અને વડાપ્રધાને પણ આ દિવસને યાદ કરીને આતંકવાદની આલોચના કરી હતી. મન કી બાતમાં એમણે આ હુમલાનો ઉલ્લેખ કર્યો હતો.
આ હુમલામાં 18 સુરક્ષાકર્મીઓ સહિત 166 લોકો મૃત્યુ પામ્યા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ દેશના સૌથી સુરક્ષિત સ્થળો પૈકીની એક તાજમહેલ હોટલને નિશાન બનાવીને સુરક્ષા વ્યવસ્થાના દાવાઓને પણ ખોરવી નાખ્યા હતા.
આ તે દિવસ હતો જ્યારે પાકિસ્તાનના 10 આતંકવાદીઓએ સપનાના શહેર મુંબઈમાં પગ મૂક્યો હતો. સૌ પોતપોતાની ધૂનમાં મગ્ન હતા. બજારોમાં ચહલપહલ જોવા મળી હતી. લોકો ખરીદી કરતા હતા. મરીન ડ્રાઈવ પર લોકો દરિયામાંથી આવતા ઠંડા પવનોની મજા માણી રહ્યા હતા. કોઈને ખ્યાલ ન હતો કે મૃત્યુ આ સમુદ્ર દ્વારા તેમની તરફ આગળ વધી રહ્યું છે. જેમ જેમ રાત પડવા લાગી તેમ તેમ મુંબઈની સડકો પર મોત નાચવા લાગ્યું હતું.