રાજકોટના યુવકે સૌથી મોટી કંકોત્રી બનાવી વર્લ્ડ રેકોર્ડ માટે દાવો કર્યો
પોતાના લગ્ન માટે 8 કલાકની મહેનત બાદ તૈયાર કરી કંકોત્રી: લગ્ન પહેલા પરિવાર સાથે અંગદાન સંકલ્પ, વૃક્ષારોપણ પણ કરશે

આગામી દિવસોમાં લગ્નની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે રાજકોટ શહેરના એક યુવાને પોતાના લગ્ન માટેની વિશ્વની સૌથી મોટી કંકોત્રી બનાવીને વર્લ્ડ રેકોર્ડ માટે દાવો કર્યો છે. મૂળ કણજડીના અને હાલમાં રાજકોટમાં રહેતા ધર્મેશ અશોકભાઈ કાળા નામના યુવકના ભારતીબેન નામની યુવતી સાથે આગામી તા.7મી ડિસેમ્બરે લગ્ન યોજાવવાના છે ત્યારે પોતાના જ લગ્નમાં સૌથી મોટી કંકોત્રી હાથેથી છે. એમણે વિશ્વની સૌથી મોટી કંકોત્રી બનાવી છે. ધર્મેશભાઈએ આ અંગે જણાવ્યું હતું કે, જૂના જમાનામાં રાજાશાહી વખતમાં જે રીતે કંકોત્રી બનાવવામાં આવતી હતી તે રીતે આ કંકોત્રી બનાવી છે. આ કંકોત્રી બનાવવામાં એમણે ખૂબ જ મહેનત કરી છે અને 8 કલાકમાં 3 બાય 10 ફૂટની સૌથી મોટી કંકોત્રી બનાવી છે. આ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે દાવો કર્યો છે.

વધુમાં ધર્મેશભાઈએ જણાવ્યું હતું કે, તેમના લગ્નના આગલા દિવસે એટલે કે તા.6 ડિસેમ્બરે પોતે લખેલું પુસ્તક જીવન સુગંધ વિમોચન પણ કરવામાં આવશે. આ સાથે જ તેમના પરિવારજનો અને તેમના પત્ની અંગદાન સંકલ્પ અને વૃક્ષારોપણ પણ કરશે. મહત્વનું છે કે, આ કંકોત્રી એક્રેલિક કલરથી કેનવાસ પર બનાવવામાં આવી છે. ધર્મેશભાઈએ આ પહેલા પણ પાણીમાં રંગોળી બનાવીને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઉપરાંત તેઓ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ, ઇન્ડિયન આઈકોન એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે.