શહેરની `શોભા’ બગાડતાં ૬૨૫ બોર્ડ-બેનર, આડેધડ વેચાતા ૨૦૯૨ કિલો શાકભાજી જપ્ત
દબાણહટાવ શાખાએ ૧૧ દિ’માં મોચી બજાર, નાનામવા મેઈન રોડ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, ત્રિકોણબાગ, એસ્ટ્રોન ચોક, લીમડા ચોકમાંથી ૪૨ રેંકડી-કેબિન, બોર્ડ-બેનર, શાકભાજી જપ્ત કર્યા
રાજકોટનો એકેય વિસ્તાર એવો નહીં હોય જ્યાં આડેધડ બોર્ડ-બેનર લગાવીને તેની શોભા બગાડવામાં આવી રહી ન હોય ! ક્યારેક આ વસ્તુ તંત્રના ધ્યાને આવે છે તો ક્યારેક નજરઅંદાજ કરી દેવામાં આવે છે. જો કે દબાણ હટાવ શાખાએ હવે ગંભીર બનીને આ દિશામાં ધ્યાન કેન્દ્રીત કર્યું હોય તેવી રીતે સાત દિવસમાં અલગ-અલગ વિસ્તારોમાંથી ૬૨૫ બોર્ડ-બેનર તેમજ મંજૂરી વગર રેંકડી ઉભી રાખીને વેચાઈ રહેલું ૨૦૨૯ કિલો શાકભાજી-ફળ જપ્ત કર્યા છે.
તંત્ર દ્વારા ધરાર માર્કેટ, મોચીબજાર, નાનામવા મેઈન રોડ, રામાપીર ચોકડી, ગાયત્રીનગર મેઈન રોડ, જ્યુબેલી માર્કેટ મેઈન રોડ, ગુંદાવાડી પાસેથી રસ્તા પર નડતરરૂપ ૪૨ રેંકડી-કેબિન, સેટેલાઈટ ચોક, ચુનારાવાડ, બાપા સીતારામ ચોક, રામાપીર ચોકડી, નાણાવટી ચોક, લાખાજીરાજ રોડ, જામનગર રોડ, હોસ્પિટલ ચોક, એરપોર્ટ રોડ, ગાયત્રીનગર મેઈન રોડ, મોરબી રોડ પરથી જુદી જુદી ૨૭૨ પરચુરણ ચીજ વસ્તુઓ તેમજ રૈયાધાર મેઈન રોડ, લાખના બંગલાવાળો રોડ, વેસ્ટ ઝોન વિસ્તાર, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, લીમડા ચોક, એસ્ટ્રોન ચોક પાસેથી ૬૨૫ બોર્ડ-બેનર જપ્ત કર્યા છે.