TRB જવાનોને નોકરીમાંથી છુટ્ટા કરવાનો વિવાદ આખા ગુજરાતમાં વકર્યો
8મી નવેમ્બરના રોજ રાજ્ય સરકાર દ્વારા કુલ 9000 પૈકી આશરે 6300 ટીઆરબી જવાનોને નોકરીમાંથી છુટ્ટા કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જેના કારણે સમગ્ર રાજ્યમાં ઠેરઠેર ટીઆરબી જવાનોમાં રોષ ફાટી નીકળ્યો છે. આજે ગુજરાતભરમાં ટીઆરબી જવાનો લડી લેવાના મૂડમાં દેખાયા છે. વિદ્યાસહાયકો બાદ હવે આજે ટીઆરબી જવાનોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ગુજરાતના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનો કરાયા છે. સાથે જ સરકારને પત્ર લખીને આ પરિપત્ર રદ કરવાની માંગણી કરાઈ છે.
આ ઉંમરે અમને બીજી નોકરી કોણ આપશે
કેમેરા સામે વાત કરતા જ મહિલા ટીઆરબી જવાન રડી પડી હતી. મહિલા જવાને કહ્યું કે, અત્યારે અમને એકઝાટકે કાઢવાની વાત કરી છે. હવે અમને એકદમથી કાઢી નાંખશે તો બીજી નોકરી કોણ આપશે. અમે ભાડે રહીએ છીએ. કેવી રીતે હવે અમારે ઘર ચલાવવાનું. અમે હવે બીજી નોકરી કરી શક્તા નથી. નોકરી નહિ મળે તો અમે જશું ક્યાં, અમે શું કરીશું. કોરોનામાં અમે અમારું ઘર-બાર છોડીને કામ કર્યું. કોરોનામાં પોઝિટીવ રિપોર્ટ આવ્યો તો છતા રોડ પર ઉભા રહીને નોકરી કરી. સરકારને એવુ ન થયુ કે આ ઉંમરે એકદમથી કાઢી નાંખીશું, તો 35-40 વર્ષની ઉંમરે આ લોકોને બીજી કઈ નોકરી મળશે. આ લોકો શું કરશે. ના નોટિસ આપી, કે ન બીજો નિર્ણય કર્યો. સરકારને અમને પાછા લેવા જ પડશે.
હજારો લોકો બેરોજગાર થશે
ગુજરાત સરકારનો આ નિર્ણય અનેક સવાલો પેદા કરી રહ્યાં છે. જો આટલી મોટી સંખ્યામાં ટીઆરબી જવાનોને છુટ્ટા કરાશે તો ગુજરાતમાં ટ્રાફિકની વ્યવસ્થા કેવી રીતે થશે. ટ્રાફિક મેનેજમેન્ટ ડામાડોળ થઈ શકે છે. તો સાથે જ સવાલ એ પણ છે કે, ગુજરાતમાં બેરોજગારી વધશે. આટલી મોટી સંખ્યામાં ટીઆરબી જવાનોની નોકરી લઈ લેતા તેઓ બેરાજગાર બનશે. સાથે જ સવાલ એ પણ છે કે, ગુજરાત સરકાર એક તરફ નોકરી આપવાના વાયદા કરે છે, અને બીજી તરફ નોકરીઓ છીનવી રહી છે.
ટીઆરબી જવાનોને છુટા કરવાનો સરકારનો નિર્ણય
રાજ્યમાં રહેલા કુલ 9000 TRB જવાનોમાંથી 1100 જવાનોનાં 10 વર્ષ પૂરાં થઈ ગયાં હોવાથી 30 નવેમ્બર, 2023ના રોજ છૂટા કરી દેવામાં આવશે. જ્યારે 3000 જવાનોને પાંચ વર્ષથી વધુ સમય થઈ ગયો હોવાથી તેમને 31 ડિસેમ્બર, 2023ના રોજ ફરજમુક્ત કરવામાં આવશે. તેમજ 2300 TRB જવાનોને 3 વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો હોવાથી 31 માર્ચ, 2024ના રોજ છૂટા કરવામાં આવશે.
