ઑસ્ટે્લિયા સામે ટી-૨૦ શ્રેણીમાં પાંચ ખેલાડી ફરી નજર અંદાજ
યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, સંજુ સેમસન સહિતના ખેલાડીઓનું ભવિષ્ય પૂરું ?
ભારત-ઑસ્ટે્લિયા વચ્ચે ટી-૨૦ શ્રેણીનો પ્રારંભ આવતીકાલથી થઈ રહ્યો છે. શ્રેણી માટે ભારતીય ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે જેની કમાન સૂર્યકુમાર યાદવને સોંપાઈ છે. જો કે અનેક એવા ખેલાડીઓ છે જેમને ફરી નજરઅંદાજ કરવામાં આવ્યા છે તો અમુક ખેલાડીઓ એવા છે જેમણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઉમદા પ્રદર્શન કર્યું હોવા છતાં તક આપવામાં આવી નથી.
સૌથી પહેલા વાત કરવામાં આવે તો સંજુ સેમસનને ફરી તક અપાઈ નથી. અત્યાર સુધીમાં ૨૪ ટી-૨૦ મેચ રમેલો સેમસન ગમે એટલું સારું પ્રદર્શન કરે પરંતુ તેને ગમે ત્યારે પડતો મુકી દેવામાં આવે છે અને કોઈને ખબર નથી હોતી કે તે કઈ સીરીઝમાં પસંદગી પામશે અને કઈ સીરીઝમાં પડતો મુકી દેવાશે ! આવું જ અભિષેક શર્મા નામના ઑલરાઉન્ડર સાથે થયું છે જેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બે સદીની મદદથી ૪૮૫ રન બનાવ્યા હોવા છતાં તેને પસંદ કરાયો નથી.
સૌથી મહત્ત્વની વાત એ છે કે ભુવનેશ્વર કુમાર અને યુઝવેન્દ્ર ચહલ કે જે લાંબા સમયથી ટીમમાં પસંદગી પામી રહ્યા નથી તેમને ફરી એક વખત ઝટકો આપવામાં આવ્યો છે તો રિયાન પરાગ પણ પસંદગીકારોને પ્રભાવિત કરી શક્યો નથી.