ન્યૂઝીલેન્ડનો લંકા સામે વિજય, પાકની ટીમ લટકી ગઈ
શ્રીલંકાને 5 વિકેટથી હરાવીને ન્યુઝીલેન્ડ સેમી ફાઈનલની રેસમાં આગળ આવ્યું છે. શ્રીલંકા જીતની સાથે ન્યુઝીલેન્ડ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે આવ્યું છે. 5 જીત સાથે ન્યૂઝીલેન્ડના 10 પોઈન્ટ છે. પહેલા નંબરે ભારત (16), બીજા નંબરે સાઉથ આફ્રિકા (12) ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયા (10) અને ચોથા નંબરે ન્યુઝીલેન્ડ (10) પોઈન્ટ છે. મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 5 વિકેટ ગુમાવીને 23.2 ઓવરમાં મેચ જીતી લીધી હતી. ટીમ તરફથી ડેવોન કોનવેએ 45, ડેરેલ મિચેલે 43 અને રચિન રવિન્દ્રએ 42 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી એન્જેલો મેથ્યુસે 2 વિકેટ લીધી હતી.
પોઈન્ટ ટેબલમાં ન્યુઝીલેન્ડ ચોથા નંબરે
શ્રીલંકા જીતની સાથે ન્યુઝીલેન્ડ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે આવ્યું છે. હાલ પૂરતી તો સેમી ફાઈનલમાં તેની એન્ટ્રી થઈ ગઈ છે. સાચી ખબર પાકિસ્તાનની ઈંગ્લેન્ડ સામેની મેચ બાદ પડશે પણ સેમીમાં તેની એન્ટ્રી પાકી જ છે.
ભારત સામે સેમી ફાઈનલ રમશે ન્યુઝીલેન્ડ
ભારત પોઈન્ટ ટેબલમાં પહેલા નંબરે છે અને તેથી તેનો સેમી ફાઈનલનો મુકાબલો ચોથા નંબરની ટીમ (ન્યુઝીલેન્ડ) સામે થશે.
પાકિસ્તાન 287 રનના અંતરથી ઈંગ્લેન્ડને હરાવે તો સેમીમાં આવી શકે
પાકિસ્તાન તેની છેલ્લી મેચ ઈંગ્લેન્ડ સામે રમવાનું છે. શ્રીલંકા સામેની ન્યુઝીલેન્ડની જીતને કારણે પાકિસ્તાનની સેમી ફાઈનલની રાહ મુશ્કેલ બની છે. હવે જો ઈંગ્લેન્ડ સામે જીતે તો પાકિસ્તાન સેમીમાં નહીં આવે કારણ ન્યુઝીલેન્ડનો રનરેટ તેના કરતાં વધારે છે. વર્લ્ડ કપની સેમિ ફાઈનલ માટે અત્યાર સુધીમાં ત્રણ ટીમો નક્કી થઈ ચૂકી છે ભારત, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા. જ્યારે ન્યૂઝીલેન્ડે ચોથી ટીમ માટે પોતાનો દાવો ખૂબ જ મજબૂત બનાવ્યો છે. હવે જો પાકિસ્તાનને સેમિ ફાઈનલમાં પ્રવેશવું જ પડે તો તેની આખરી મેચમાં ઈંગ્લેન્ડને 287 રનના મોટા અંતરથી હરાવવું પડે તેમ છે.