ફટાકડા અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું ? જુઓ
સુપ્રીમ કોર્ટે દિવાળી પહેલા ફટાકડા ફોડવા મામલે સ્પષ્ટ કહ્યું છે કે, ફટાકડા અંગે બહાર પાડેલી માર્ગદર્શિકા તમામ રાજ્યોમાં લાગુ થશે. માત્ર દીલ્હી માટે આદેશ નથી. જો કે અદાલતે એવી ચોખવટ પણ કરી હતી કે તમામ ફટાકડા પર બ્લેન્કેટ બેન નથી , ફક્ત બેરિયમ અને કેમિકલવાળા ફટાકડા પર પ્રતિબંધ છે. કોર્ટે એમ પણ કહ્યું કે વાયુ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે જરૂરી પગલાં લેવાની જવાબદારી રાજ્ય સરકારોની પણ છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે, દિવાળી પર ફટાકડા ફોડવાના નિયમો અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ હશે. કોર્ટે કહ્યું કે, પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ફટાકડા બાબતે નિર્ણય લેવો પડશે. મતલબ કે જે રાજ્યમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ છે ત્યાં ફટાકડા ફોડી શકાતા નથી. જો કોઈપણ રાજ્યમાં ગ્રીન ફટાકડાને ફોડવાની મંજૂરી હોય તો ત્યાં માત્ર ગ્રીન ફટાકડા જ ફોડી શકાશે.
ફટાકડા પર પ્રતિબંધના મામલાની સુનાવણી દરમિયાન ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે પર્યાવરણીય જાળવવાની જવાબદારી એકલી કોર્ટની નથી. લોકોએ પણ વધુ ગંભીર બનવાની જરૂર છે. સાથો સાથ કોર્ટે એમ પણ કહ્યું કે, આજકાલ બાળકો કરતાં પુખ્ત વયના લોકો વધુ ફટાકડા ફોડે છે. તેથી લોકોએ પર્યાવરણ વિશે વિચારવાની જરૂર છે. રાજ્યોની સરકારોને હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે જરૂરી પગલાં લેવાનો પણ કોર્ટે નિર્દેશ આપ્યો છે.
