ત્રિકોણ બાગ પાસે ટ્રાફિક સમસ્યાનું મૂળ સિટી બસનું આડેધડ પાર્કિંગ!!
જ્યાં દરરોજ હજારો વાહનોની અવર-જવર થાય છે તે ત્રિકોણ બાગ ચોકમાં આખો દિવસ સિટી બસ જ્યાં ત્યાં પડેલી
હોવાથી ચાલકોને મુશ્કેલી: પાર્કિંગ માટે જગ્યા અપાઇ હોવા છતાં ડ્રાઇવર રસ્તા પર બસ પાર્ક કરી થઇ જાય છે `ગાયબ’

આમ તો રાજકોટનો કોઈ એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં ટ્રાફિક સમસ્યા સર્જાતી ન હોય…જો કે અમુક અમુક પોઈન્ટ
એવા છે જ્યાં આંખે દેખાતી અવ્યવસ્થા હોવા છતાં તંત્ર દ્વારા ઢાકપીછોડો કરવાને કારણે લોકોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી જ એક ટ્રાફિક સમસ્યા ત્રિકોણ બાગ પાસે દરરોજ સર્જાઈ રહી છે. આમ તો સમસ્યાના મુળમાં અનેક કારણો જવાબદાર હોઈ શકે પરંતુ સૌથી મોટું જો કોઈ કારણ હોય તો તે અહીં આડેધડ રીતે ખડકાઈ જતી સિટી બસને ગણી શકાય…!
ત્રિકોણ બાગ ચોકમાંથી રોજ હજારોની સંખ્યામાં વાહનો અવર-જવર કરતા હોય છે. અહીં ટ્રાફિક સિગ્નલ પણ ઉપલબ્ધ છે જેનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે. જો કે જેવું ટ્રાફિક સિગ્નલ ક્લિયર કરીને પ્રમુખસ્વામી આર્કેડ ચોકમાં પહોંચવા માટે પ્રયાસ કરવામાં આવે એટલે સિગ્નલ પછી તુરંત જ સિટી બસનો ખડકલો થઈ ગયો હોવાથી લોકોને ત્યાંથી પસાર થવામાં અભિમન્યુના સાત કોઠા વિંધ્યા' જેવો અહેસાસ થયા વગર રહેતો નથી ! આશ્ચર્યની વાત તો એ છે કે સિટી બસના પાર્કિંગ માટે મચ્છોધણી હોટલ પાસે જ એક જગ્યા અપાઈ છે અને રોડ પર બોર્ડ પર લગાવાયું છે પરંતુ જાણે કે આ બોર્ડ બસના ચાલકને દેખાતું જ ન હોય તેવી રીતે રસ્તા ઉપર જ બસ પાર્ક કરવાનું પસંદ કરતો હોય લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આટલું ઓછું હોય તેમ ચાલક બસ પાર્કને ક્યાંકગાયબ’ થઈ જતો હોય લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યાનો રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
પોલીસ શા માટે `કડક’ બનતી નથી?
ત્રિકોણ બાગ ચોકના ટ્રાફિક સિગ્નલ પર આમ તો પોલીસ અને વૉર્ડનનો બંદોબસ્ત તૈનાત રહે છે પરંતુ તેમની નજરમાં જાણે કે સિટી બસનું આડેધડ પાર્કિંગ આવી જ રહ્યું ન હોય તેમ બધા બેઠા-બેઠા તમાશો નિહાળ્યે રાખે છે પરંતુ કોઈ એક આગળ આવીને બસનું વ્યવસ્થિત પાર્કિંગ થાય તેના પર ધ્યાન આપવાની તસ્દી લેતું ન હોય લોકો મનમાં ને મનમાં ભાંડીને વાહન હંકારી જાય છે!
 
         
			 
		 
         
  
  
  
 
 
     
                                     
                                     
		         
		         
		        