ગ્રામીણ વિસ્તારોમાં બેકારીએ માઝા મૂકી
ભારતના અર્થતંત્ર માટે તેમજ પાંચ રાજ્યોની ચૂંટણીપૂર્વે ભાજપ માટે ચિંતાજનક સમાચાર છે. બુધવારે ડોલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયે પહોંચ્યો હતો અને બીજી તરફ ઓક્ટોબર મહિનામાં બેરોજગારી દર છેલ્લા બે વર્ષની સર્વોચ્ચ સપાટીને આવી ગયો હતો.
સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી લિમિટેડ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સપ્ટેમ્બર મહિનાના 7.09 ટકા સામે ઓક્ટોબરમાં 10.05 ટકા બેરોજગારી દર નોંધાયો હતો. 2021 પછીનો આ સૌથી વધારે દર છે. સૌથી ખરાબ અસર ગ્રામીણ વિસ્તારોમાં થઈ છે. ત્યાં સપ્ટેમ્બર મહિનાના 6.20 ટકા સામે ઓક્ટોબરમાં 10. 82 ટકા બેરોજગારી દોર સામે આવ્યો છે. આ વર્ષે ચોમાસાની અનિયમિતતાને કારણે ઘઉં અને ચોખા સહિતના પાકો ઉપર પ્રતિકુળ અસર પડી છે અને પરિણામે કૃષિ લક્ષી રોજગારીમાં ઘટાડો આવ્યો છે.
રૂપિયો ડોલર સામે ગગડ્યો
ડોલર સામે બુધવારે રૂપિયો ઐતિહાસિક તળિયે પહોંચ્યો હતો. ડોલર સામે મંગળવારના 83.24 ના બંધ સામે બુધવારે 83.23 ની સપાટીએ ખુલ્યા બાદ રૂપિયો ત્યાર પછી83. 26 ના તળિયે પહોંચ્યો હતો. ઇઝરાયેલ હમાસ યુદ્ધ ઉપરાંત ડોલર ઇન્ડેક્સ ની મજબૂતાઈ તેમજ સ્થાનિક ઈક્વિટી માર્કેટની નરમાઈને કારણે રૂપિયા ઉપર દબાણ આવ્યું છે. મંગળવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ઈક્વિટી માં 696.03 કરોડની કરેલી વેચવાલી પણ રૂપિયાના ગગડવા માટે કારણભૂત હોવાનો મત વ્યક્ત થઇ રહ્યો છે.
