સંસદની એથિક્સ કમિટીને ગુનાહિત કેસની તપાસનો અધિકાર નથી: મહુઆ મોઈતરા એ સામી ફૂંક મારી
કેશ ફોર ક્વેરીકાંડમાં આજે મહુઆ હાજર થશે, હીરાનંદાણીની પણ પૂછપરછ કરવા માંગણી કરી
રોકડ અને ગિફ્ટ્સ લઈને સંસદમાં સવાલ પૂછવાના આરોપોમાં ફસાયેલા ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ એથિક્સ કમિટી પર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે કેશ ફોર ક્વેરી મામલે એથિક્સ કમિટી મારા પર હાજર થવા માટે દબાણ કરી રહી છે. તેમણે કહ્યું કે બિઝનેસમેન હીરાનંદાણીનું પણ ક્રોસ એક્ઝામિનેશન થવું જોઈએ. તેમણે દાવો કર્યો કે સંસદીય સમિતિને ગુનાઈત બાબતોની તપાસનો કોઈ અધિકાર નથી. આ ફક્ત તપાસ એજન્સીઓ જ કરી શકે છે. મહુઆને આજે હાજર થવાનું છે.
મહુઆ મોઈત્રાએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી શેર કરતાં બે પાનાનો પત્ર શેર કર્યો હતો. જેમાં તેમણે કેપ્શનમાં લખ્યું કે એથિક્સ કમિટીને મીડિયા સમક્ષ મારું સમન્સ જાહેર કરવું યોગ્ય લાગ્યું. એટલા માટે હવે મને લાગે છે કે આ મહત્ત્વપૂર્ણ છે કે હું પણ કાલે મારી સુનાવણી પહેલાં સમિતિએ એક પત્ર મોકલી દઉં.
મહુઆ મોઈત્રાએ તેમના પત્રમાં આરોપ મૂક્યો છે કે લોકસભાની આચાર સમિતિ (એથિક્સ કમિટી)એ આ મામલે સુનાવણીની તારીખ આગળ વધારવાના તેમના આગ્રહની અવગણના કરી અને તેમના પર હાજર થવા દબાણ વધાર્યું. તેમણે કહ્યું કે આ મામલે હીરાનંદાણીની પણ પૂછપરછ કરવી જોઈએ. મહુઆને આવતીકાલે હાજર થવા કહેવાયું છે.
તેની સાથે મહુઆએ ભાજપ સાંસદ રમેશ બિધૂરી દ્વારા બસપા સાંસદ દાનિશ અલી પર કરાયેલી વાંધાજનક ટિપ્પણીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. મહુઆએ કહ્યું કે આ મામલે બસપા સાંસદના વિપરિત ભાજપ સાંસદ માટે એક અલગ દૃષ્ટિકોણ અપનાવાયો. તેમણે સંસદીય સમિતિ પર ભેદભાવપૂર્ણ વલણ અપનાવવાનો આરોપ મૂક્યો હતો.