ગાઝા ઉપર જમીની,હવાઈ હુમલા ચાલુ
યુદ્ધના 22 માં દિવસે ઇઝરાયલે ગાઝા ઉપર આખી રાત બોમ્બ વરસાવ્યા હતા અને સાથે જ ગાઝામાં સતત ત્રીજા દિવસે જમીની હુમલા કરી હમાસના લશ્કરી ઠેકાણા અને ભૂગર્ભ ટનલોનો નાશ કર્યો હતો.બીજી તરફ બંધક મુક્તિનો મુદ્દો જટીલ બની ગયો છે. નેતન્યાહુ પર ઘર આંગણે બંઘકોની સલામત મુક્તિ માટે દબાણ વધી રહ્યું છે ત્યારે હમાસે જો ઇઝરાયલ તેની જેલોમાં રહેલા પેલેસ્ટિનિયન નાગરિકોને છોડી દે તો બધા બંધકોને મુક્ત કરવાની શરત રાખી હતી.હમાસ ના નેતા યુહ્યા સીનવારે કહ્યું કે તમારી જેલો ખાલી કરી દયો તો અમે તાત્કાલિક બંધકોને છોડી મુકશું.અત્રે ઉલ્લેખનીય છે કે ઇઝરાયલે કરેલી એર સ્ટ્રાઈક માં અત્યાર સુધીમાં 50 બંધકો માર્યા ગયા હોવાનો હમાસે દાવો કર્યો છે. હમાસ ના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા 6630 પેલેસ્ટેનીયન નાગરિકો ઇઝરાયલ ની જેલમાં છે, ઉપરાંત યુદ્ધ શરૂ થયા બાદ વેસ્ટ બેંકમાંથી પણ ઇઝરાયલે બીજા હજારો લોકોની ધરપકડ કરી છે.
બંધકોના પરિવારજનો નેતન્યાહુને મળ્યા
બંધકોનાં પરિવારજનોએ નેટન્યાહુ સાથેની બેઠકમાં પોતાના પરિવારજનો ની મુક્તિ માટે ઇઝરાયલની જેલમાં રહેલા પેલેસ્ટિનિયન નાગરિકોને છોડી મુકવાની માંગણી કરી હતી.બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા એક મહિલાએ કહ્યું કે અમે ગાઝામાં ટેંકો જતી નિહાળીએ છીએ.એમને ખબર નથી કે શું થઈ રહ્યું છે, શું થશે? તેમણે બંધકોને નુકસાન થાય તેવું એક પણ પગલું જ લેવા નેતન્યાહુ સમક્ષ માંગણી કરી હતી.
આ અસ્તિત્વનો જંગ છે: નેતન્યાહુ
ઇઝરાયેલા વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું કે ઇઝરાયેલ માટે આ આઝાદીનો બીજો જંગ છે. ઇઝરાયલના અસ્તિત્વનો સવાલ છે. તેમણે કહ્યું કે યુદ્ધનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે અને અમારું લક્ષ્ય બહુ સ્પષ્ટ છે. અમે હમાસની લડવાની ક્ષમતા અને હમાસના નેતૃત્વને ખતમ કરી નાખશું અને બંધકોને સલામત રીતે પરત લાવશું. તેમણે ઉમેર્યું કે આ યુદ્ધ લાંબુ ચાલશે અને ઇઝરાયલનો વિજય થશે.
ઝાઝામાં ઇન્ટરનેટ ફોન સેવા આંશિક શરૂ
ગાજામાં શુક્રવારે ઇન્ટરનેટ અને ટેલિફોન સેવા ઠપ્પ થઈ ગયા બાદ રવિવારે આંશિક રીતે એ સેવા શરૂ થઈ હતી. સંદેશા વ્યવહાર બંધ થઈ જવાને કારણે ઇઝરાયેલ ને અત્યાચાર માટે ખુલ્લો દોર મળી જશે એવી માનવ અધિકાર સંગઠનો એ ભીતિ વ્યક્ત કરી હતી. યુનાઇટેડ નેશનની વિવિધ એજન્સીઓએ પણ પોતાના કાર્યકરો અને કર્મચારીઓ સાથે સંપર્ક કપાઈ ગયો હોવાની ફરિયાદ કરી હતી.
ઇઝરાયેલ લક્ષ્મણ રેખા ઓળંગી ગયું છે: ઈરાનના પ્રમુખ રાઇસી
ઈરાન ના પ્રમુખ ઈબ્રાહીમ રાઈસીએ કહ્યું કે ઇઝરાયલ ગાઝા પરના હુમલામાં રેડ લાઈન ક્રોસ કરી ગયું છે અને પરિણામે ‘અન્ય લોકો ‘ ને પણ પગલાં લેવાની જરૂર પડશે. તેમણે કહ્યું કે અમેરિકા અમને યુધથી દૂર રહેવા નું કહે છે પણ પોતે સતત ઇઝરાયલને યુદ્ધમાં મદદ કરે છે. તેમણે કહ્યું કે ગાઝામાં ઇઝરાયલ નું ગ્રાઉન્ડ ઓપરેશન નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે.પ્રમુખ રાઇસીએ આ અગાઉ પણ જો ગાઝા ઉપરના હુમલા બંધ નહી થાય તો ઈરાન હાથ જોડીને બેઠું નહીં રહે તેવી ચેતવણી આપી હતી.