મુન્દ્રાના પત્રી ગામે ટ્રાન્સપોર્ટરની ફિલ્મી ઢબે હત્યા
સરપંચની પુત્રી સામે અવિશ્વાસ હત્યાનું કારણ હોવાની શંકા
ક્ષત્રિય યુવાનને કારને લોડરથી ટક્કર મારી
કચ્છના મુન્દ્રા તાલુકાના પત્રી ગામે પૃથ્વીસિંહ જાડેજા નામના યુવકની કાર સાથે લોડર અથડાવી ફિલ્મી ઢબે હત્યા કરવામાં આવતા સનસનાટી મચી ગઈ છે. સરપંચની પુત્રી સામે અવિશ્વાસ દરખાસ્તના કારણે હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. યુવાનની હત્યાથી મુન્દ્રા સહીત કચ્છભરમાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં ગુનો દાખલ ન થાય ત્યાં સુધી લાશ સાંભળવાનો ઇનકાર કરવામાં આવ્યો છે.
હત્યાની ઘટનાની જાણ મુન્દ્રા પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મુન્દ્રા તાલુકાનાં કુંડ્રોડી માર્ગે નજીકના પત્રી ગામનાં પૃથ્વીસિંહ જાડેજા પોતાની કાર નંબર જીજે 13 ઈ 1990 લઈને જતાં હતા ત્યારે યુવકની કાર સાથે લોડર અથડાવી ફિલ્મી ઢબે હત્યા કરવામાં આવી હતી. મૃતક પૃથ્વીસિંહ અંજાર સ્થિત પોતાના દેવસ્થાન જેસલપીર દાદાના દર્શન કરી પોતાના ગામ પરત જતાં ત્યારે આ બનાવ બન્યો હતો. બનાવથી મૃતકના પરિવારમાં અને મિત્રોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઇ જવા પામ્યો છે. ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા ક્ષત્રિય યુવકની હત્યા પાછળ સરપંચની પુત્રી સામે અવિશ્વાસ દરખાસ્તના કારણભૂત હોવાની આશંકા સ્થાનિક લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ હત્યા ષડયંત્ર પૂર્વકની થઈ હોવાનું પોલીસ સમક્ષ મૃતકના પરિવારે જણાવાયું છે.