રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપત બોદરના ડ્રીમ પ્રોજેક્ટને સરકારની લીલી ઝંડી
13૦૦૦ સ્ક્વેર મીટરના તમામ આધુનિક સુવિધા સાથે નવું બિલ્ડીંગ બનાવાશે
જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપત બોદર અને વર્તમાન પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ સરકારના નિર્ણયને રાજકોટ જિલ્લા માટે દિવાળી પૂર્વેની મોટી ભેટ ગણાવી
રાજકોટ જિલ્લા પંચાયતના દાયકાઓ જુના બિલ્ડીંગના સ્થાને નવું આધુનિક સુવિધાસભર બિલ્ડીંગ બનાવવાના પ્રોજેક્ટની પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદરે પોતાના કાર્યકાળ દરમ્યાન દરખાસ્ત સરકારસમક્ષ મોકલાવી હતી. જેને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. નવા બિલ્ડિંગ માટે સરકારે રૂ.36.50 કરોડ મંજૂર કર્યા છે તેનો 25% મુજબનો પ્રથમ હપ્તો આગામી દિવસોમાં વિકાસ કમિશનર દ્વારા રિલીઝ કરવામાં આવશે.
હાલનું જિલ્લા પંચાયત ભવનનું બિલ્ડીંગ 13000 સ્ક્વેર મીટર જેટલી વિશાળ જગ્યામાં ફેલાયેલુ અને રાજકોટ શહેરના હાર્દમાં યાજ્ઞિક રોડ ઉપર અને રેસકોર્સ ચોકમાં સોનાની લગડી જેવા વિસ્તારમાં આવેલું હોય ત્યારે આ નવા પંચાયત ભવનના બિલ્ડીંગનું નિર્માણ ૩૦૦૦ સ્ક્વેર મીટર કાર્પેટ એરિયામાં 13000 સ્ક્વેર મીટરનુ બાંધકામ થવાથી આગળના ભાગની રોડ પરની જગ્યા ખુલી થવાથી અતિ કિંમતી અને મોકાની આ જગ્યા પર કોમર્શિયલ બાંધકામો દ્વારા ભાડાની તથા જાહેર ખબરના હોડીઁગો દ્વારા આવકના નવા સ્ત્રોત ઉભા કરી કાયમી ધોરણેજિલ્લા પંચાયત સ્વભંડોળની આવક વઘારવામા સરકારમાં કરેલી દરખાસ્તને રાજ્ય સરકારે મંજૂરી આપી છે અને આ માટે રૂ.36.50 કરોડ મંજૂર કર્યા છે.
રાજકોટ જિલ્લા પંચાયતનો આ મહત્વનો પ્રોજેક્ટ મંજૂર કરવા બદલ પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદર અને વર્તમાન પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલસહીત સમગ્ર નેતાગીરીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની પ્રજાને સરકારની આ દિવાળી પહેલાની સૌથી મોટી ભેટ છે.
જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદરે આ અંગે એક નિવેદનમાં સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું છે કે, નવા સુવિધાસભર આધુનિક બિલ્ડીંગ મંજુર કરવાથી કર્મચારીઓને કાર્યદક્ષતામાં વધારો થશે અને ગ્રામ્ય વિસ્તારોના લોકોને વધુ સારી સુવિધા આધુનિક ટેકનોલોજી સાથે આપી શકાશે. તેમજ નવા ભવનમાં ઓડીટોરીયમ, ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આધાર કાર્ડ તેમજ વિવિધ સરકારી યોજનાઓના માહીતી કેન્દ્રો સહીતની સુવિધાથી યુક્ત કરવામા આવશે.
ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના ઉપસચિવ પિયુષ રાજવંશીએ આ સંદર્ભે જિલ્લા પંચાયતને એક પરિપત્ર પાઠવીને આ પ્રોજેક્ટ મંજૂર થયો છે અને તે માટે ૩૬.૫૦ કરોડના કામને વહીવટી બહાલી આપવામાં આવી હોવાની જાણ કરી છે.
૧૩૦૦૦ ચોરસ મીટર જગ્યામાં નવા બહુમાળી બિલ્ડીંગનું નિર્માણ થવાનું છે અને તેમાં મેઈન બિલ્ડિંગ ઉપરાંત પીવાના પાણી, ગટર, ઇન્ટીરિયર ડિઝાઇનિંગ, ફર્નિચર, ફાયર સેફટીના સાધનો, ઇન્ટર્નલ રોડ, કમ્પાઉન્ડ વોલ પાર્કિંગ શેડ, ઇલેક્ટ્રીકેશન, આધુનિક કક્ષાની લિફ્ટ જેવા કામો થઈ શકશે.
રાજકોટ જિલ્લા પંચાયતના દાયકાઓ જુના બિલ્ડીંગના સ્થાને નવું આધુનિક બિલ્ડીંગ બનાવવાના કામ માટે પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદર ઘણા સમયથી જહેમત ઉઠાવી રહ્યા હતા. પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા સોઇલ ટેસ્ટિંગ કરાવવામાં આવશે અને તેનો રિપોર્ટ આવી ગયા બાદ માર્ગ મકાન વિભાગ પાસે ડિઝાઇન બનાવી તાંત્રિક મંજૂરી મેળવીને એજન્સી નક્કી કરવામાં આવશે. સરકારે જે મંજૂરીનો પત્ર આપ્યો છે તેમાં આ કામ ત્રણ વર્ષની સમય મર્યાદામાં પૂરું કરવા માટે જણાવ્યું છે. નવું બિલ્ડીંગ ગ્રીન બિલ્ડિંગ બની રહે તે અભિગમ મુજબ બાંધકામ અને ડિઝાઇન તૈયાર કરવામાં આવશે. સરકારે રૂ.36.50 કરોડ મંજૂર કર્યા છે તેનો 25% મુજબનો પ્રથમ હપ્તો આગામી દિવસોમાં વિકાસ કમિશનર દ્વારા રિલીઝ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટને સરકારે મંજૂરી આપતા હવે તે પણ સરકારની અન્ય કચેરીઓની માફક આધુનિક સાધન સુવિધા સભર બનશે. સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપી હોવાની જાણ થતા જ જિલ્લા પંચાયતના સભ્યોમાં અને હોદ્દેદારોમાં આનંદની લહેર છવાઈ ગઈ છે.
