હાશ ! સાંઢિયા પુલે ફરી ગર્ડર ફિટ કરી દેવાયું
પેટા: ચાર-ચાર દિ’થી ગર્ડર તૂટી પડ્યું હોવાને કારણે મોટા વાહનો પુલ ચડી જતા’તા: પુલના બીજા છેડે ગર્ડર હોવાથી પાછું વળવું મુશ્કેલ હોવાથી સર્જાતો ટ્રાફિકજામ
દરરોજ હજારો વાહનોની જ્યાં અવર-જવર રહે છે તે જામનગર રોડ પરના વર્ષો જૂના સાંઢિયા પુલ પર ટ્રક-બસ સહિતના ભારે વાહનોને આવતાં અટકાવવા પુલની બન્ને બાજુ લોખંડના ગર્ડર મુકી દેવામાં આવ્યા હતા. જો કે ગત રવિવારે એક માલવાહક વાહન ગર્ડર સાથે અથડાતાં તે જમીનદોસ્ત થઈ ગયું હતું. આ પછી ગર્ડર ફરી ફીટ કરવામાં આવી રહ્યું ન હોય જામનગર રોડ પરથી આવનારા વાહનો સીધા પુલ ઉપર ચડી જતા હતા પરંતુ સામે છેડે ગર્ડર ફિટ હોવાથી ત્યાંથી નીકળવું મુશ્કેલ હોય પરત ફરવું પડતું હતું. જો કે ટ્રક સહિતના વાહનો ટર્ન લઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી અહીં ભારે ટ્રાફિક થઈ જતો હતો. આ અંગેનો અહેવાલ વૉઈસ ઑફ ડે'માં પ્રસિદ્ધ થતાં જ તાત્કાલિક તૂટી ગયેલું ગર્ડર ફિટ કરી દેવામાં આવ્યું હતું. આ ગર્ડર ફીટ થઈ જવાથી કમ સે કમ મોટું વાહન પુલ ઉપર ચડતા પહેલાં વિચાર કરશે. જો કે અહીં ટ્રાફિક પોલીસ તૈનાત ન હોવાને કારણે અમુક મોટા વાહનો ગર્ડર હોવા છતાં
ધરાર’ ઘૂસી જશે તેવી શક્યતા પણ લોકો વ્યક્ત કરી રહ્યા હોવાથી અહીં પોલીસ બંદોબસ્ત અપાય તે જરૂરી બની જાય છે.