7 ગામોની 825 હેક્ટર જમીનને સત્તા મંડળમાં આવરી લેવાઈ
મહેસાણાના પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી અને તેના આસપાસના વિસ્તારનો આર્થિક અને સુવિધાકીય વિકાસ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બહુચરાજી તાલુકાના સાત ગામોની 825 હેક્ટર જમીનનો બહુચરાજી વિસ્તાર વિકાસ મંડળમાં સમાવેશ કર્યો છે. બહુચરાજી તાલુકા અને તેની નજીક આવેલા અમદાવાદ, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાના ઔદ્યોગિકરણને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે આ નિર્ણય લીધો છે.
બહુચરાજી અને તેના આસપાસના વિસ્તારમાં મારુતિ અને હોન્ડા જેવી મોટી કંપનીઓ ઉપરાંત 40થી વધુ કંપનીઓ નિર્માણ પામેલી છે.
બહુચરાજી તાલુકાના શંખલપુર, કાલરી, ગણેશપુરા, ફિંચડી, પ્રતાપગઢ, ડેડાણા અને એંદલા ગામની કુલ 825 હેક્ટર જમીનનો બહુચરાજી વિસ્તાર વિકાસ મંડળમાં સમાવેશ કરાયો છે. મહેસાણા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બહુચરાજી વિસ્તાર વિકાસ સત્તા મંડળ કામ કરશે અને માળખાકીય સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાવીને ધાર્મિક અને આર્થિક બંને સ્તરે વિકાસ થાય એ માટે પ્રયાસો કરવામાં આવશે.
સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર લખ્યું છે કે, આજે દુર્ગાષ્ટમીનું પાવન પર્વ ઉત્તર ગુજરાતના સુપ્રિસદ્ધ શક્તિપીઠ યાત્રાધામ બહુચરાજી વિસ્તારના વિકાસ માટે માતાજીના આશિષ લઈને આવ્યું છે. આ વિસ્તારમાં ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિઓના વિકાસની પ્રબળ સંભાવનાઓ રહેલી છે, જેને વાસ્તવિક રૂપ આપવાની નેમ સાથે આજે બેચરાજી વિસ્તાર વિકાસ સત્તામંડળની રચના કરવાનો નિર્ણય કર્યો છે.