તહેવારોમાં ડુંગળી જનતાને રડાવશે?
નવી દિલ્હી
તહેવારોની સીઝનમાં ડુંગળીની કિંમતો સામાન્ય જનતાને પરેશાન કરી શકે છે. હવે ડુંગળીની કિંમતો પણ વધવી શરૂ થઈ છે. મહારાષ્ટ્રની જથ્થાબંધ મંડીઓમાં ડુંગળીની કિંમતોમાં એક સપ્તાહમાં 30 ટકાનો ભાવવધારો થઈ ચૂક્યો છે. જે ડુંગળીની કિંમતો ગયા સપ્તાહે ક્વિન્ટલદીઠ રૂ. 2650 હતી, એ રૂ. 3250 પ્રતિ ક્વિન્ટલ થઈ ચૂકી છે.
દેશમાં ડુંગળી રસોઈનો મુખ્ય ખાદ્ય પદાર્થ છે. ડુંગળીની વધતી કિંમતો પર અંકુશ લગાવવા માટે કેન્દ્ર સરકારનો હાલ હસ્તક્ષેપ થાય એવી સંભાવના ઓછી છે. વળી, પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને એ પછી લોકસભાની ચૂંટણી માથે છે. ત્યારે વિપક્ષ ડુંગળીની વધેલી કિંમતનો મુદ્દો ઉપાડે એવી પણ શક્યતા છે. દેશમાં ખરીફ પાકોની આવકમાં વિલંબ અને રવીની વાવણી પર ચિંતાઓને કારણે ડુંગળીની કિંમતો વધવાની શરૂ થઈ ગઈ છે.
સ્થાનિક રિટેલ માર્કેટમાં ડુંગળીની કિંમતો સરેરાશ કિલોદીઠ રૂ. 32 રહ્યા પછી હાલ પ્રતિ કિલો રૂ. 40એ પહોંચી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મોડા પડેલા વરસાદને કારણે ખરીફ લાલ ડુંગળીનો પાક આવવામાં વિલંબ થયો છે, જેથી બજારમાં ડુંગળીની ઓછી આવકો થઈ રહી છે.
એશાયાના સૌથી મોટા મહારાષ્ટ્ર ને પિંપલગાંવ તેમ જ લાસલગાંવની જથ્થાબંધ બજારોમાં ડુંગળીની કિંમતો મોંઘી થવાનુ શરૂ થયું છે. સરકારે નિકાસ ઓછી કરવા માટે 20 ઓગસ્ટે નિકાસ શૂલ્ક 40 ટકા લગાવ્યો હતો. આ સાથે સપ્લાયની અછતને કારણે પણ ભાવમાં વધારો થઈ રહ્યો છે.એ સાથે કર્ણાટકમાં ઉત્પાદન પણ ઓછું રહેવાની વકી છે.