ઇઝરાયલ જો ગાઝાનો કબજો લેશે તો એ તેની મોટી ભૂલ હશે
અમેરિકી પ્રમુખ બાઈડેને ચેતવણી ઉચ્ચારી
ઇઝરાયલ એ કહ્યું, ‘એવો ઈરાદો નથી ‘
હમાસ સાથેના યુદ્ધમાં ઇઝરાયેલને સંપૂર્ણ ટેકો જાહેર કર્યા પછી અમેરિકાના પ્રમુખ જો બાઈડેને કહ્યું કે હમાસ આતંકવાદી સંગઠન છે, શેતાન છે.ઇઝરાયલ તેનો ખાત્મો કરી નાખે તે બરોબર છે પણ જો તે ગાઝાનો કબજો લઈ લેશે તો એ ગંભીર ભુલ ગણાશે. ઉત્તર ગાઝાનાં 11 લાખ લોકોને ચાલ્યા જવાની ઇઝરાયલે આપેલી ચેતવણી પાછળ તેનો ઇરાદો ગાઝાનો કાયમી કબજો કરી અને પેલેસ્ટેનીયન નાગરિકોને સદા માટે ધકેલી કાઢવાનો હોવાનો આરબ રાષ્ટ્રોએ આક્ષેપ કર્યા બાદ રવિવારે બાઈડેને આ ચેતવણી ઉચ્ચારી હતી. તેમના આ નિવેદનની પ્રતિક્રિયા આપતા ઇઝરાયેલ ના યુનાઈટેડ નેશન ખાતેના રાજદૂત ડીલાર્ડ એર્ડને ઇઝરાયલ નો એવો કોઈ ઈરાદો ન હોવાનું જણાવ્યું હતું.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના જંગમાં ગાઝાનો ખો નીકળી ગયો છે. એક તરફ ઇઝરાયેલની ધમકીને કારણે લાખો લોકો હિજરત કરવા લાગ્યા છે ત્યારે હમાસના આતંકીઓ આ નાગરિકોને રોકી રહ્યા હોવાનો ઇઝરાયલે આક્ષેપ કર્યો હતો અને એટલું જ નહીં ખાલી કરવાની સમય મર્યાદા પૂરી થઈ ગયા બોમ્બમારો કરવાની ચેતવણી પણ આપી હતી.
ઇઝરાયલે રવિવારે પણ ગાઝા ઉપર 50 સ્થળે એર સ્ટ્રાઈક કરી હતી. ખાન યુનુસ અને રફાહમાં ઇઝરાયેલી વાયુ સેનાએ હમાસના ઠેકાણાઓ તથા રેણાક ઇમારતો ઉપર બોમ્બ ફેક્યા હતા. એ હુમલામાં એક તબીબના આખા પરિવારનું મૃત્યુ થયું હતું
દસ લાખ લોકો વિસ્થાપિત થયા 47 પરિવાર આખે આખા સાફ
ગાઝા ઉપરના ઇઝરાયેલના હુમલાને કારણે હજારો મકાનો તૂટી પડતા લાખો લોકો બેઘર બન્યા છે. યુએનના પ્રવક્તા ના જણાવ્યા અનુસાર એ બધા લોકો ઉપરાંત ઉત્તર ગાઝા માંથી ભાગેલા લોકો મળી અને કુલ 10 લાખ કરતા વધારે લોકો વિસ્થાપિત થઈ જતા ભયંકર માનવીય કટોકટી સર્જાઈ છે. ઇઝરાયેલ ની બોમ્બ વર્ષામાં 47 પરિવારો આખે આખા સાફ થઈ ગયા છે. એ કુટુંબોમાં એક પણ સભ્ય બચ્યા નથી.એવા મૃતકોની સંખ્યા 500 હોવાનું ગાઝાના પ્રવક્તા જણાવ્યું હતું. ગાઝામાં અત્યાર સુધીમાં 2700 કરતા વધારે લોકોના મૃત્યુ થયા છે અને 9,600 ઘાયલ છે. ગાઝાની હોસ્પિટલોમાં ઘાયલોની સંખ્યા સતત વધી રહી છે અને પરિણામે મૃત્યુ આગ પણ વધવાનો ભય છે
199 લોકોને બંધક બનાવાયા ઇઝરાયલે આંકડો જાહેર કર્યો
સાતમી ઓક્ટોબરે કરેલા હુમલા દરમિયાન હમાસે મોટી સંખ્યામાં ઇઝરાયેલી અને વિદેશી નાગરિકોના અપહરણ કર્યા હતા. જો કે બંધકોની સંખ્યા અંગે અનેક તર્ક વિતર્કો ચાલતા હતા. અંતે ઇઝરાયલે કુલ 199 લોકોને બંધક બનાવાયા હોવાનું સત્તાવાર રીતે જાહેર કર્યું હતું. જોકે આ બંધકોમાં વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે કે નહીં તે સ્પષ્ટ નથી થયું.