ઇઝરાયલે કુલ 6,000 બોંબ ફેંક્યા
ગાઝા ઉપર 4000 ટન દારૂગોળો વરસ્યો
હમાસના આતંકી હુમલાબાદ ઇઝરાયલે અસામાન્ય સ્તરનું આક્રમણ કરતા ગાઝા ખેદાન મેદાન બની ગયું છે. ઇઝરાયેલી સેનાના પ્રવક્તા ડેનિયલ હગારી ના જણાવ્યા અનુસાર શુક્રવારની સવાર સુધીમાં ઇઝરાયલે હજારો એર સ્ટ્રાઈક દ્વારા 4000 ટન દારૂગોળો ભરેલા 6000 બોમ્બ ગાઝા ઉપર વરસાવ્યા હતા. આ પછી પણ યુદ્ધ તો હજુ ચાલુ જ છે બલ્કે ઇઝરાયેલ ના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તો કહ્યું કે આ તો હજુ શરૂઆત છે.
હમાસે ઇઝરાયેલના નિર્દોષ નાગરિકોની ક્રુર હત્યાઓ કરી તે પછી વિશ્વના ભયંકરમાં ભયંકર યુદ્ધોના ઇતિહાસમાં પણ અપવાદરૂપ કહી શકાય એવો વળતો હુમલો ઈઝરાયલે કર્યો છે. શનિવારે હમાસે કરેલા આશ્ચર્યજનક હુમલાના આઘાતમાંથી બહાર આવ્યા બાદ ઇઝરાયલે બે મોરચે જંગ માડ્યો હતો. એક તરફ તો હમાસે કબજે લીધેલી 22 વસાહતો મુક્ત કરાવવા માટે ઇઝરાયેલ ની ભૂમિ ઉપર સૈનિકો લડતા હતા અને બીજી તરફ એર સ્ટ્રાઈક નો અવીરત દોર શરૂ થઈ ગયો હતો. સાથે જ નેતન્યાહુએ કહ્યું હતું કે યુદ્ધ ભલે હમાસે શરૂ કર્યું પણ પૂરું અમે કરશું. આ યુદ્ધ હજુ પૂરું થવાના કોઈ એંધાણ પણ નથી વર્તાતા ત્યાં જ ગાઝામાં સર્જાયેલા દ્રશ્યો વિશ્વને હચમચાવી રહ્યા છે ત્યારે આવતા દિવસોમાં પરિસ્થિતિ કઈ હદે બગડશે તેની કલ્પના પણ કઠિન છે
ગાઝા ખંડેર બની ગયું
અત્યાર સુધીમાં જ ગાજામાં 2835 હાઉસિંગ યુનિટ સદંતર નાશ પામ્યા છે. 12800 મકાનોને એ હદે નુકસાન થયું છે કે તેને તોડી પાડવા પડશે. અત્યંત ગીચ વસ્તી ધરાવતા ગાઝામાં બીજા હજારો મકાનો એ હદે નુકસાન પામ્યા છે કે તેને પુનઃ ઉપયોગમાં લેવામાં વર્ષો નીકળી જશે. ગાઝાની કુલ 23 લાખની વસ્તીમાંથી 4.23 લાખ લોકો બેઘર બનવાને કારણે વિસ્થાપિત થયા છે ગુરુવારની એક જ રાતમાં મકાન તૂટી પડવાને કારણે વધુ 84,444 લોકો બેઘર બની ગયા હતા.
ગાઝામાં 500 બાળકો સહિત 1537 ના મોત
હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં ગાઝાના નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે. ગાઝા હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 500 માસુમ બાળકો અને 273 મહિલાઓ સહિત 1537 નાગરિકોના મોત થયા છે. 6,163 લોકો ઘાયલ થયા છે જેમાં અડધા ઉપર નાની હાલત નાજુક ગણાવાઈ રહી છે.
રાહત સામગ્રીના ટ્રક અટકાવાયા
ગાઝાના લોકો અન્ન અને પાણી માટે વલખા મારી રહ્યા છે. હોસ્પિટલોમાં દવાઓ અને ઇન્જેક્શન નો જથ્થો ખૂટી પડ્યો છે.આ સંજોગોમાં ઇજિપ્તએ રાહત સામગ્રીના ટ્રક મોકલ્યા હતા પણ ઇઝરાયેલના સશસ્ત્ર દળોએ વાહનોના એ કફલાને ગાઝામાં પ્રવેશવા ન દેતા ગાજાના લાખો લોકો સહાયથી વંચિત રહી ગયા હતા. ઇજિપ્તે હવે હવાઈ માર્ગે સહાય પહોંચાડવા તજવીજ હાથ ધરી છે.
એર સ્ટ્રાઈક માં 13 બંધકોના મોત
ગુરુવારે રાત્રે ઇઝરાયેલ એ કરેલી એર સ્ટ્રાઈકમાં 13 બંધકો પણ માર્યા ગયા હોવાનો હમાસે દાવો કર્યો હતો. તેના પ્રવક્તા ઈઝેદુંન અલ કાસમે આ હુમલામાં ઇઝરાયેલ ઉપરાંત વિદેશના બંધકો પણ ભોગ બન્યા હોવાનું જણાવ્યું હતું. આ અગાઉ પણ મંગળવારે એર સ્ટ્રાઈકમાં ચાર બંધકોના મોત થયા હોવાનો હમાસે દાવો કર્યો હતો.
ચીનમાં ઇઝરાયેલી રાજદૂત પર હુમલો
ચીનમાં ઇઝરાયેલના એક રાજદૂત ઉપર તીક્ષણ હથિયાર વડે હુમલો થયા હોવાનું ટાઈમ્સ ઓફ ઇઝરાયેલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.
આ સંભવિત આતંકી હુમલામાં ઘવાયેલા રાજદૂતને હોસ્પિટલમે ખસેડવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર હોવાનું કહેવાયું છે. ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે મધ્ય પૂર્વ ખાતેના ચીનના દૂત સાથે ફોન ઉપર વાત કરી અને આતંકી હુમલાને ન વખોડવા બદલ ચીન સામે નારાજગી વ્યક્ત કરી તે પછી આ ઘટના બની હોવાનું આ અહેવાલમાં જણાવ્યું છે.