હવે તમારી સફાઈ-પાણી-નળ-ગટરની ફરિયાદ વૉર્ડ ઑફિસે પડી જ નહીં રહે !
દરેક વૉર્ડ દીઠ એક પ્રભારી, એન્જિનિયર, ઑફિસર, સેનેટરી ઈન્સ્પેક્ટર, સેનેટરી સબ ઈન્સ્પેક્ટરની ટીમ રચાઈ: દરરોજ વૉર્ડમાં રાઉન્ડ લેવા ઉપરાંત ફરિયાદો ઉકેલ આવ્યો કે નહીં તેના રિવ્યુ માટે દર પંદર દિવસે મળશે બેઠક
રાજકોટના કોઈ વૉર્ડમાં સફાઈ, પાણી, નળ, ગટર, ગંદકી, ઢોર સહિતની પ્રાથમિક સુવિધાઓની ફરિયાદ વૉર્ડ ઑફિસે કરવામાં આવે એટલે ઘણાખરા કિસ્સાઓમાં તે ફરિયાદ ઑફિસમાં જ પડી રહેતી હોય છે અને સમસ્યાનો નિકાલ આવતો હોતો નથી. વારંવાર ફરિયાદો કરવા છતાં તેના ઉપર ધ્યાન આપવામાં ન આવવાને કારણે આંદોલન સહિતના કાર્યક્રમો પણ લોકોએ આપવા માટે મજબૂર બનવું પડતું હોવાના મુદ્દાને ધ્યાનમાં લઈ મહાપાલિકા દ્વારા હવે દરેક વૉર્ડ દીઠ પ્રભારી સહિતની એક ટીમની રચના કરવામાં આવી છે જે ટીમ દ્વારા વૉર્ડ ઑફિસ પર કરાયેલી નાનામાં નાનીથી લઈ મોટામાં મોટી ફરિયાદોનો ઉકેલ લાવવાની જવાબદારી સંભાળશે.
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન ૨.૦ અંતર્ગત શહેરની સ્વચ્છતા તેમજ અન્ય નાની-મોટી ફરિયાદોના ઉકેલ માટે નવતર આયોજન કરવામાં આવ્યું છે. આ માટે જુદા જુદા વિસ્તારો-માર્ગો માટે વરિષ્ઠ અધિકારીઓના નેતૃત્વ હેઠળ એક-એક કમિટીની રચના કરવામાં આવી છે જેમાં વૉર્ડ પ્રભારી, વૉર્ડ એન્જિનિયર, વૉર્ડ ઑફિસર, સેનેટરી ઈન્સ્પેક્ટર અને સેનેટરી સબ ઈન્સ્પેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ટીમ દરરોજ પોતાને સોંપાયેલા વૉર્ડનો એક રાઉન્ડ લેશે સાથે સાથે દર પંદર દિવસે વૉર્ડ ઑફિસમાં થયેલી ફરિયાદોનો નિકાલ આવ્યો કે નહીં અને નથી આવ્યો તો શા માટે નથી આવ્યો તે સહિતના મુદ્દે સ્ટાફ સાથે સમીક્ષા બેઠક કરશે.
કમિશનર દ્વારા વૉર્ડ નં.૧માં એડિશનલ સિટી એન્જિનિયર બી.ડી.જીવાણી, વૉર્ડ નં.૨ માટે ટીપીઓ એમ.ડી.સાગઠિયા, વૉર્ડ નં.૩ માટે સિટી એન્જિ. એચ.એમ.કોટક, વૉર્ડ નં.૪ માટે વેટરનરી ઑફિસર બી.આર.જકાસણીયા, વૉર્ડ નં.૫ માટે ડાયરેક્ટર (આઈટી) એસ.એમ.ગોહિલ, વૉર્ડ નં.૬ માટે ઝૂ સુપ્રિ.ડૉ.આર.કે.હિરપરા, વૉર્ડ નં.૭ માટે પર્યાવરણ ઈજનેર એન.આર.પરમાર, વૉર્ડ નં.૮ માટે ડાયરેક્ટર (ગાર્ડન એન્ડ પાર્ક) એલ.જે.ચૌહાણ, વૉર્ડ નં.૯ માટે સિટી એન્જિનિયર એચ.યુ.દોઢિયા, વૉર્ડ નં.૧૦ માટે ચીફ એકાઉન્ટન્ટ એ.એલ.સવજીયાણી, વૉર્ડ નં.૧૧ માટે સિટી એન્જિ. વાય.કે.ગોસ્વામી, વૉર્ડ નં.૧૨ માટે સિટી એન્જિ. એ.એમ.મિત્રા, વૉર્ડ નં.૧૩ માટે આસિ. કમિશનર એચ.આર.પટેલ, વૉર્ડ નં.૧૪ માટે એડી.સિટી એન્જિ. કે.પી.દેથરીયા, વૉર્ડ નં.૧૫ માટે એડી. સિટી એન્જિ. કે.એસ.ગોહેલ, વૉર્ડ નં.૧૬ માટે આસિ.કમિશનર વી.એસ.પ્રજાપતિ, વૉર્ડ નં.૧૭ માટે ચીફ ફાયર ઑફિસર આઈ.વી.ખેર અને વૉર્ડ નં.૧૮ માટે એડી. સિટી એન્જિ. પી.ડી.અઢીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
હવે આબરૂ નહીં જાય ! શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ સાફ કરવાનું શરૂ
સામાન્ય રીતે બહારગામની કોઈ વ્યક્તિ રાજકોટમાં આવે એટલે શહેરના પ્રવેશદ્વાર મતલબ કે એન્ટ્રી પોઈન્ટ ઉપર જ ગંદકી જોઈને થૂ થૂ કરી જતા હોય છે. આ મુદ્દાને ધ્યાન પર લઈ મહાપાલિકા દ્વારા આજથી જ શહેરના ગોંડલ ચોકડી-કાંગશિયાળીથી ગોંડલ ચોકડી, કાલાવડ રોડ ન્યારી ડેમ પાટીયાથી જડ્ડુસ બ્રિજ, પરાપીપળીયાથી માધાપર ચોકડી, મોરબી રોડ બેડી ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી, કૂવાડવા રોડ-આઈઓસી ગેસના પ્લાન્ટથી ગ્રીનલેન્ડ ચોકડી, કોઠારિયા રોહથી કોઠારિયા ગામ એમ કુલ છ એન્ટ્રી પોઈન્ટની પાંચ કિલોમીટર સુધીની સફાઈ કરવામાં આવી છે.