`નામ બડે, દર્શન છોટે’: એશિયન ગેમ્સમાં અનેક ધુરંધરોએ કર્યા નિરાશ
ભારતીય ખેલાડીઓએ ચીનના હાંગઝૂમાં રમાયેલી એશિયન ગેમ્સમાં દેશ માટે મેડલનો ઢગલો કરી દીધો છે. ૧૦૭ મેડલ જીતીને ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. એક બાજુ યુવા ખેલાડી છવાઈ ગયા તો બીજી બાજુ દેશના દિગ્ગજ ખેલાડીઓએ રીતસરના નિરાશ કર્યા હતા. જે ખેલાડીઓ પાસેથી દેશને ગોલ્ડ મેડલની આશા હતી તેઓ ખાલી હાથે પરત ફર્યા હતા.
આ ખેલાડીઓમાં ભારતની સ્ટાર શટલર પી.વી.સિંધુ, પાછલી એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડાલિસ્ટ એવો પહેલવાન બજરંગ પુનિયા, ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા, ઓલિમ્પિક મેડલિસ્ટ વેઈટલિફ્ટર મીરાંબાઈ ચાનુ, દિગ્ગજ બોક્સર શિવ થાપા સહિતના સમાવિષ્ટ છે જેમણે ચાહકોને નિરાશ કર્યા છે. આ ખેલાડીઓ ગોલ્ડ જીતશે તેવી સૌને આશા પરંતુ તેઓ ગોલ્ડ તો ઠીક સિલ્વર કે બ્રોન્ઝ મેડલ પણ લાવી શક્યા નથી. જેમની સામે અનેક યુવા ખેલાડીઓ એવા રહ્યા જેમણે ગોલ્ડ મેડલ જીતીને દેશનું ગૌરવ ચાર ગણું વધારી દીધું છે.