પ્રાચીન ગરબીને નથી લાગ્યું ડીજેનું ઘેલું
શેરી-ગલીઓમાં તાળીઓના તાલે રમાતી ગરબીમાં આજે પણ તબલા, ઢોલ, મંજિરનો થાય છે ઉપયોગ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પ્રાચીન ગરબીનું અનેરૂ મહત્વ છે. પરંપરાગત રીતે ગવાતા ગરબામાં નાની બાળાઓ દ્વારા રાસ લેવાતા હોય છે. આજે પણ રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રમાં શેરી-ગલીઓમાં અનેક ગરબીઓ થાય છે જ્યાં ચાચર ચોકમાં પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ બાળાઓ ગરબે રમતી હોય છે. પહેલા મહિલાઓ આવી પ્રાચીન ગરબીઓમાં ગરબા ગાતી હતી બાદમાં ધીમે-ધીમે તબલા, હાર્મોનિયમ, મંજીરાં જેવા વાજિંત્રો આવ્યા અને સૂર-તાલ સાથે ગરબા ગાવાનું શરૂ થયું. ત્યારે આજના આધુનિક સમયમાં પ્રાચીન ગરબીઓને ડીજેનું ઘેલું નથી લાગ્યું.
શેરી-ગરબામાં અનેક પ્રકારના વૈવિધ્ય હોય છે. જ્યાં પ્રાચીન ગરબા ગવાય છે, માતાજીની સ્તુતિ તેમજ દુહા અને છંદ પણ ગવાય છે. પહેલાના સમયમાં કોઈ વાદ્ય હતા નહિ. તેવા સમયે ગરબા તાળીઓના તાલે રમાતા હતા. એક મહિલા ગરબો ગાતી અને બીજી મહિલા તે ઝીલતી હતી. સમયાંતરે રાસ ગરબાની પરંપરામાં ફેરફાર થયો. વાદ્યનું આગમન થયું અને તબલા, હાર્મોનિયમ, મંજીરાં જેવા વાજિંત્રોનું આગમન થયું. આજે આધુનિક સમયમાં ડીજેના તાલે અર્વાચીન ગરબાના આયોજન થાય છે પરંતુ આજના આધુનિક સમયમાં પણ હજુ પ્રાચીન ગરબાનું મહત્વ જળવાઈ રહ્યું છે અને શહેર ઉપરાંત ગામડાઓમાં શેરી-ગલીઓમાં થતી પ્રાચીન ગરબીઓમાં હજુ પણ તબલા, મંજીરાં, હાર્મોનિયમ દ્વારા તાલ બધ્ધ ગરબા ગવાય છે.
રાજકોટના રામનાથ પરામાં આવેલી દુકાનના સંચાલક રાજદીપભાઈએ જણાવ્યું હતું કે, નવરાત્રિના એક મહિના પહેલા ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો આવે છે અને ઢોલ, તબલા સહિતના વાદ્ય લેવા માટે આવે છે તેમજ તેના રિપેરિંગ માટે પણ આવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આજના ડીજેના યુગમાં પણ તબલા, ઢોલ સહિતના વાજિંત્રોનો ક્રેઝ યથાવત છે. જો કે, ડીજેને કારણે ધંધામાં માર પડ્યો છે. તબલાની કિંમતની વાત કરીએ તો તબલાની જોડી રૂ.2500થી શરૂ થાય છે જ્યારે ઢોલ પણ રૂ.2500થી મળે છે.
આરતી માટેના નના મશીનની માંગ
પ્રાચીન ગરબીઓમાં ઢોલ, તબલા, સહિતના વાદ્યનો ઉપયોગ થાય છે ત્યારે આરતી માટે ઢોલ, ઘંટડી સહિતના વાજિંત્રો વાળા નાના મશીનની ખૂબ માંગ છે. જેની કિંમત રૂ.4500થી શરૂ થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ તેની માંગ વધારે છે.
ડીજેના યુગમાં પણ તબલા, ઢોલનું મહત્વ યથાવત
આજના સમયમાં પ્રાચીન ઉપરાંત અર્વાચીન ગરબાના આયોજનો થાય છે. જેમાં પાર્ટી પ્લોટમાં ડીજેને તાલે ગુજરાતી અને હિન્દી ફિલ્મોના ગીત ઉપર પણ ગરબા રમાય છે ત્યારે શેરી-ગલીઓમાં થતી ગરબીઓમાં આજે પણ ભારતીય પરંપરા જળવાઈ રહી છે અને તબલા, ઢોલ સહિતના વાજિંત્રો ઉપર ગરબા ગવાતા હોય છે.