સ્કુલે વાહન લઇ આવતા વિધાર્થીઓ સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી
ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન અને ટ્રાવેલ્સ બસ ડીટેઇન
ફુટપાથ ઉપર દબાણ કરનાર લારી-ગલ્લાં અને કેબીન જપ્ત કરાઈ
રાજકોટ ટ્રાફિક બ્રાંચના ડીસીપી પૂજા યાદવ દ્વારા લર્નિંગ લાયસન્સ ધરાવતા વિધાર્થીઓને સ્કૂલે વાહન લઈને નહી મોકલવા આપેલી સુચના બાદ ટ્રાફિક પોલીસે આવા વિદ્યાર્થીઓ સામે ઝુંબેશ શરૂ કરવાની જાહેરાત બાદ ચેકિંગ શરુ કર્યું હતું અને અલગ અલગ ટીમો બનાવી અમલવારી શરૂ કરી દીધી છે.જેમાં 150 ફુટ રીંગ રોડ પર આવેલ મોદી સ્કૂલ સહિતની સ્કૂલોમાં ચેકિંગ કરી લર્નિગ લાયસન્સ ઉપર વાહન ચલાવનાર વિધાર્થી સામે કાર્યવાહી કરી હતી.
સ્કૂલે વાહન લઈને જતાં વિદ્યાર્થીઓ માટે કડક નિયમો બનાવ્યા હતાં જેમાં 50 સીસીથી મોટુ વાહન વિદ્યાર્થીઓ ચલાવી શકશે નહીં તેમજ જે વિદ્યાર્થી પાસે લર્નિંગ લાયસન્સ હશે તેવા વિદ્યાર્થીઓએ ફરજિયાત પોતાની સાથે લાયસન્સ વાળા વ્યક્તિને સાથે રાખવાના રહેશે. આવા વિદ્યાર્થીઓ મળી આવશે તો તેમના વાલીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવા આદેશ આપ્યા હતાં.
ટ્રાફીક ડીસીપી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ એસપી જે.બી.ગઢવી સહિતની શહેરની સ્કૂલોમાં ઓચિંતા જ ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં સ્કૂલે વાહન લઈને આવતાં વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ ન હોય તો તેઓની સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને આવા વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવાની કાર્યવાહી શરૂ કરતાં વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં ભારે દેકારો બોલી ગયો છે. ટ્રાફીક બ્રાંચના જણાવ્યા પ્રમાણે આ ઝુંબેશ દરરોજ અલગ અલગ સ્કૂલે ચાલુ રહેશે. આજે 150 ફુટ રીંગ રોડ પર આવેલ મોદી સ્કૂલ સહિતની સ્કૂલોમાં ટ્રાફીક બ્રાંચ દ્વારા આ ઝુંબેશ શરૂ કરી હતી.
લર્નીંગ લાયસન્સની શરતોનો ભંગ કરનાર વાહન ચાલકોના 4 વાહન ડીટેઇન કરેલ હતા તેમજ એન.સી.-06 કેસ કરી 12,000નો દંડ વસુલ કર્યો હતો. તેમજ ફુટપાથ ઉપર ટુ/ફોર વ્હીલર તેમજ અન્ય દબાણકારો ઉપર ધોરણસર કાર્યવાહી કરી 5 લારી-ગલ્લાં-કેબીન જપ્ત કરી હતી અને અયોગ્ય પાર્કીંગ સબબ કુલ એન.સી.-17 કરી રૂ.11,500 નો દંડ વસુલવામાં આવેલ.
ભારે વાહનોના પ્રવેશબંધી જાહેરનામા ભંગ કરનાર 3 ટ્રાવેલ્સ બસ ડીટેઇન કરવામાં આવી અને ટ્રાફીક ટોઇંગ સાથે 150 રીંગ રોડ ઉપર ફુટ પેટ્રોલીંગ કરી ફુટપાથ પરના દબાણ માં ૬ વાહનો ટો કરવામાં આવેલ અને હાજર વાહન માલિકોને અયોગ્ય પાર્કીંગ સબબ 22એન.સી કરી રૂ.12,500નો દંડ વસુલ કરવામાં આવેલ.