સંસદમાં ભાજપના સાંસદે કરેલા ઉચ્ચારણો બાદ રાજકીય વિવાદ
મુસ્લિમ સાંસદ માટે અત્યંત અભદ્ર ભાષાપ્રયોગ
ભાજપના સાંસદને સસ્પેન્ડ કરવાની વિપક્ષોની માગણી
નવા સંસદભવનના ઐતિહાસિક વિશેષ સત્રમાં ગુરુવારે અભદ્ર ભાષા પ્રયોગનો અત્યંત શરમજનક ઇતિહાસ આલેખાઈ ગયો હતો. ભાજપના દિલ્હીના સાંસદ રમેશ બીધુરીએ બીએસપીના મુસ્લિમ સાંસદ દાનિશ અલીને સંબોધીને કરેલા આક્ષેપો અને ઉચ્ચારણોને કારણે જબરો રાજકીય વિવાદ સર્જાયો છે. આ મુદ્દે વિપક્ષોએ હોબાળો કર્યા બાદ સંસદના રેકોર્ડ ઉપરથી બિધુરીના ઉચ્ચારણો દૂર કરવામાં આવ્યા હતા. બીજીતરફ આ ઉચ્ચારણોને કારણે વિપક્ષોની લાગણી દુભાઈ હોય તો રક્ષા મંત્રી રાજનાથ સિંઘે ખેદ વ્યક્ત કર્યો હતો.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વીડિયોમાં રમેશ બિધૂરી એક ચોક્કસ સમુદાયને અપમાનિત કરતા અભદ્ર શબ્દો બોલતા સંભળાય છે. આ મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રમેશ જયરામ જણાવ્યું હતું કે મેં મારી જિંદગીમાં આવી ભાષા સાંભળી નથી. સંસદની અંદર કે સંસદની બહાર ક્યાંય પણ આવી ભાષાનો ઉપયોગ ન થવો જોઈએ. તેમણે કહ્યું કે બિધુરીએ જે ઉચ્ચારણો કર્યા તેમાં ભાજપના હેતુનું પ્રતિબિંબ પડે છે. તેમણે બિધુરીને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી.
વિપક્ષો તૂટી પડ્યા
ટીએમસીના મહિલા સાંસદ માંહુઆ મોઇત્રાએ ટ્વિટ કરી આ મુદ્દે લોકસભાના સ્પીકર શું પગલાં લેશે તેવો સવાલ કર્યો હતો. મુસ્લિમો અને ઓબીસી ને અપમાનિત કરવા એ ભાજપની સંસ્કૃતિનો એક ભાગ હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ કે કહ્યું કે રમેશ બિધુરી સંસદમાં ગુંડાઓ અને માફિયાઓ જેવી ભાષા બોલ્યા છે. તેમણે વિશેષમાં સવાલ કર્યો કે મેં મણીપુરનો ઇસ્યુ ઉઠાવ્યો તેમાં મને સસ્પેન્ડ કરાવી દેવાયો હતો પણ એક સાંસદ આવી ભાષાનો ઉપયોગ કરે છતાં તેમની સામે કેમ પગલાં નથી લેવાતા?
અધ્યક્ષે ચેતવણી આપી
લોકસભાને અધ્યક્ષ ઓમ બિરલા એ ‘ બીજી વખત આવું વર્તન કર્યું ‘ તો કડક પગલાં લેવાની રમેશ બિધુરીને ચેતવણી આપી હતી. જોકે વિપક્ષો કહે છે કે આવી ગંભીર બાબતમાં અને જ્યાં સસ્પેન્ડ કરવા માટેના તમામ કારણો મોજુદ છે એવી ઘટનામાં પણ માત્ર ચેતવણી કાફી નથી.બિધુરીને સસ્પેન્ડ જ કરવા જોઈએ.