સબજેલની બેરેકમાં બાથરૂમમાં બ્લેન્કેટ બાંધીને ફાંસો ખાઈ લીધો
પત્ની ઉપર ચારિત્ર્યની શંકા કરી છુટાછેડા લીધા બાદ બે પુત્રો પોતની સંતાન નહી હોવાનું માની પોતાના બે માસુમ પુત્રોને ઝેરી આપી હત્યા કરનાર પિતાએ ગોંડલની સબજેલમાં આપઘાત કરી લીધો હતો. બે પુત્રોની હત્યા કર્યા બાદ પાપનો પ્રશ્ચાતાપ કરવા બાળકોની અંતિમ વિધિ કર્યા બાદ પિતાએ પોતે પણ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ પોલીસે ધરપકડ કરતા તેનો પ્લાન નિષ્ફળ ગયો હતો અંતે સબજેલની બેરેકમાં બાથરૂમમાં બ્લેન્કેટ બાંધીને ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.
ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલ આવાસ ક્વાર્ટરમાં રહેતા રાજેશ પ્રેમજીભાઈ મકવાણાના પુત્રો રોહિત (ઉમર વર્ષ-3) અને હરેશ (ઉંમર વર્ષ 13) દરગાહમાં નમાજમાં ભોજન લીધા બાદ ઝેરી અસર થઇ હતી. અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બન્નેના મોત થયા હતા. આ બનાવ શંકાસ્પદ હોવાથી પોલીસે તપાસ કરતા બન્ને પુત્રોની તેના પિતાએ જ હત્યા કર્યાનું ખુલ્યા બાદ પોલીસે બન્ને બાળકોની હત્યામાં નરાધમ બાપ રાજેશ પ્રેમજીભાઈ મકવાણાની ધરપકડ કરી હતી.
રાજેશના લગ્ન કોડીનારના આલીદર બોલીદર ગામના હીરલબેન સાથે થયા બાદ અવાર નવાર હિરલના ચારિત્ર્ય ઉપર શંકા કરી બન્ને સંતાન પોતાના ન હોવાની શંકા હતી. પત્નીના ચારિત્ર્ય અંગે શંકાને કારણે સતત થતા ઘર કંકાસથી કંટાળી બાપે છુટાછેડા લીધા હતા. છુટાછેડા બાદ બાળકોનો કબ્જો રાજેશ પાસે હતો તેમના મનમાં આ સતત સળવળતા શંકાના કીડાને કારણે તેણે પોતાના બન્ને બાળકોની દરગાહમાં નમાજમાં ભોજન માં ઝેર આપી ઠંડે કલેજે હત્યા કરી હતી. હત્યાના ગુનામાં જેલમાં રહેલા રાજેશે સબજેલની બેરેકમાં બાથરૂમમાં બ્લેન્કેટ બાંધીને ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ જેલ ખાતે દોડી ગયા હતા રાજેશે બે પુત્રોને માર્યા બાદ બાળકોની અંતિમ વિધિ કર્યા બાદ પોતે પણ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ પોલીસે ધરપકડ કરતા તેનો પ્લાન નિષ્ફળ ગયો હતો. પોલીસે રાજેશની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ઝેરી દવા પણ મળી હતી.