૨૮ દિવસ બાદ રાજકોટમાં મેઘરાજાનું આગમન, ધીમી ધારે ૧ ઇંચ વરસાદ…
સવારે ૮થી બપોરે ૨ વાગ્યા સુધીમાં વેસ્ટ ઝોનમાં ૨૭, ઈસ્ટ-સેન્ટ્રલ ઝોનમાં ૨૧-૨૧ મીમી પાણી પડ્યું: ૧૨થી ૧ની વચ્ચે જોરદાર ઝાપટું પડતાં મેઘો મંડાશે તેવી આશા સૌને બંધાઈ, ફળી નહીં !
છેલ્લા ૨૮ દિવસથી રાજકોટને કાગડોળે રાહ જોવડ્યા બાદ આખરે મેઘરાજાએ ધીમા પગલે પધરામણી કરતા લોકોમાં ટાઢક' સાથે ખુશીની લહેરખી ફરી વળી છે. જો કે જેવી ધારણા હતી તેના કરતાં વિપરિત મતલબ કે ધોધમાર પડવાની જગ્યાએ માત્ર
ટઉરક ટઉરક’ વરસાદના રૂપમાં સાત કલાકની અંદર એક ઈંચ પાણી પડ્યું હોવાનું મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
મનપા દ્વારા જણાવાયા પ્રમાણે શહેરમાં સવારે ૮ વાગ્યાથી લઈ બપોરે ૨ વાગ્યા સુધીમાં વેસ્ટ ઝોનમાં ૨૭ મીમી (એક ઈંચ), ઈસ્ટ ઝોનમાં ૨૧ મીમી (પોણો ઈંચ) અને સેન્ટ્રલ ઝોનમાં ૨૧ મીમી (પોણો) ઈંચ પાણી પડ્યું છે. જો કે બપોરે ૧૨થી ૧ વાગ્યા સુધીની એક કલાકમાં ત્રણેય ઝોનમાં નવ-નવ મીમી પાણી પડ્યું હતું. આ વેળાએ વરસાદનું જોર જોતાં સૌને લાગી રહ્યું હતું કે આજે મેઘો મન મુકીને રાજકોટને તરબોળ કરી દેશે પરંતુ એક કલાકમાં જ જોર ધીમું પડી જતાં લોકોમાં નિરાશા પણ વ્યાપી જવા પામી હતી.
આ સાથે જ શહેરમાં સીઝનનો કુલ વરસાદ જોવા જઈએ તો સેન્ટ્રલ ઝોનમાં ૬૮૪ મીમી (૨૭ ઈંચ), ઈસ્ટ ઝોનમાં ૪૮૫ મીમી (૧૯ ઈંચ) અને વેસ્ટ ઝોનમાં ૬૩૪ મીમી (૨૫ ઈંચ) પાણી પડ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લે રાજકોટમાં ૨૧ ઑગસ્ટે વરસાદ પડ્યા બાદ ૧૮ સપ્ટેમ્બર મતલબ કે આજ સુધી વરસાદનું એક ટીપું પણ પડ્યું ન્હોતું. જન્માષ્ટમીના તહેવારમાં વરસાદે વિરામ લેતાં લોકોએ મન ભરીને તહેવાર માણ્યો હતો સાથે સાથે મેઘાએ મોઢું ફેરવી લેતાં સૌના શ્વાસ પણ અધ્ધર ચડી ગયા હતા.