સૌરભ રાજપૂતને મળ્યો ન્યાય : મેરઠના બહુચર્ચિત હત્યાકાંડમાં મુસ્કાન અને તેના પ્રેમી સાહિલને ફાંસીની સજા
ઉત્તર પ્રદેશના મેરઠના બહુચર્ચિત સૌરભ રાજપૂત હત્યાકાંડમાં અદાલતે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. મેરઠની અદાલતે મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્લાને ફાંસીની સજા સંભળાવી છે. બંને પર પૂર્વ મર્ચન્ટ નેવી અધિકારી સૌરભ રાજપૂતની ઘાતકી રીતે હત્યા કરીને તેમના શરીરના ટુકડા બ્લૂ પ્લાસ્ટિકના ડ્રમમાં છુપાવવાનો આરોપ હતો. અદાલતે આ ગુનાને દુર્લભમાં દુર્લભ કેટેગરીમાં ગણાવીને આ સજા સંભળાવી છે.
35 વર્ષીય સૌરભ રાજપૂત ફેબ્રુઆરી 2025ના અંતમાં લંડનથી મેરઠ પરત ફર્યા હતા. તેઓ મર્ચન્ટ નેવીમાં અધિકારી હતા. પોલીસ અનુસાર 4 માર્ચ 2025ના રોજ તેમની પત્ની મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્લાએ મળીને તેમની હત્યા કરી દીધી હતી. આરોપ છે કે પહેલા સૌરભને નશીલો પદાર્થ આપવામાં આવ્યો, પછી છરી મારીને તેમની હત્યા કરી દેવામાં આવી. ત્યારબાદ મૃતદેહના ટુકડા કરી દેવામાં આવ્યા અને અવશેષોને બ્રહ્મપુરી સ્થિત તેમના ઘરમાં બ્લૂ ડ્રમમાં સિમેન્ટ અને રેતી સાથે ભરીને સીલ કરી દેવામાં આવ્યા. તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ પહેલા મૃતદેહને સૂટકેસમાં ઠેકાણે પાડવાની યોજના બનાવી હતી, પરંતુ મૃતદેહ સૂટકેસમાં સમાયો નહીં તો ડ્રમનો સહારો લીધો.
માર્ચ 2025ના મધ્યમાં ડ્રમમાંથી તીવ્ર દુર્ગંધ આવવા લાગી હતી. આ દરમિયાન મુસ્કાને કથિત રીતે તેના પિયરિયાઓને હત્યા વિશે જણાવી દીધું હતું. પિયરિયાઓની સૂચના પર પોલીસે કેસ નોંધ્યો અને 17 માર્ચે ડ્રમમાંથી સૌરભના અવશેષો કબજે કર્યા હતા. બીજા જ દિવસે 18 માર્ચે મુસ્કાન અને સાહિલની હિમાચલ પ્રદેશની યાત્રાથી પરત ફર્યા બાદ ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે હત્યા બાદ બંને શિમલા, મનાલી અને કસૌલીની હોટલોમાં રોકાયા હતા.
આ કેસ લગભગ 13 મહિના સુધી ચાલ્યો જેમાં 126 સુનાવણીઓ થઈ અને ફરિયાદ પક્ષના 22 સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસે 12 મે 2025ના રોજ લગભગ 1000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં 34 સાક્ષીઓના નિવેદનો સામેલ હતા. ચાર્જશીટમાં ફોરેન્સિક રિપોર્ટ, કોલ ડિટેલ રેકોર્ડ, CCTV ફૂટેજ સામેલ હતા. સાક્ષીઓમાં સૌરભના માતા-પિતા અને ભાઈ, મુસ્કાનના માતા-પિતા, એક ટેક્સી ડ્રાઈવર, મેડિકલ સ્ટોર માલિક, છરી અને ડ્રમ વેચનાર દુકાનદાર, સિમેન્ટ દુકાનના માલિક અને હોટલ માલિક સામેલ હતા. હત્યાનો કોઈ પ્રત્યક્ષદર્શી નહોતો, આખો કેસ સંજોગોવસાતના પુરાવા પર આધારિત હતો.
ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે આ ગુનો દુર્લભમાં દુર્લભ કેટેગરીમાં આવે છે, તેથી મૃત્યુદંડ આપવામાં આવે છે. અદાલતે 30 સપ્ટેમ્બરે બંનેને હત્યા અને પુરાવા નષ્ટ કરવાના દોષી ઠેરવ્યા હતા. બુધવારે 14 ઓક્ટોબરે મોતની સજા સંભળાવવામાં આવી છે.
