“વંદેમાતરમ”ની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલની “નક્સલાઈટ” ટિપ્પણીથી ભારે વિવાદ
તુષાર મહેતા : કાયદાનું નિર્માણ બંધારણથી થાય, નક્સલવાદી વિચારધારાથી નહીં
ડો. મુરલીધર : મેં કાયદાના કોઈ અધિકારીને અદાલતમાં આવું બોલતા સાંભળ્યા નથી
નવી દિલ્હી : વંદે માતરમને લગતા કાયદાકીય વિવાદની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સોલિસિટર જનરલ તુષાર મહેતા અને વરિષ્ઠ વકીલ ડો. એસ. મુરલીધર વચ્ચે તડાફડી બોલી ગઈ હતી. સોલિસિટર જનરલ દ્વારા ઉચ્ચારવામાં આવેલી “નક્સલાઈટ” શબ્દવાળી ટિપ્પણીને લઈને ડો. મુરલીધરે કડક વાંધો ઉઠાવતા કહ્યું હતું કે આવી ભાષા કોઈ કાયદાના અધિકારીને શોભતી નથી.
ટી.એમ. કૃષ્ણા તરફથી હાજર રહેલા ડો. મુરલીધર કેન્દ્ર સરકાર દ્વારા પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટમાં કરાયેલા તાજેતરના સુધારા અને વંદે માતરમના તમામ છ સ્તોત્રોના ગાનને ફરજિયાત બનાવતા પરિપત્રોને પડકારતી અરજી પર દલીલો કરી રહ્યા હતા. તેમણે દલીલ કરી હતી કે આ સુધારો પૂરતી રાષ્ટ્રીય સહમતિ વિના અને ઉતાવળમાં પસાર કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ આવા વિષયો જાહેર ચર્ચા અને લોકમતના વિકાસ દ્વારા આગળ વધવા જોઈએ, જ્યારે ઉપરથી લાદવામાં આવતી પ્રક્રિયા યોગ્ય નથી.
આ દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વચ્ચે ટકોર કરતાં કહ્યું કે કાયદાનું નિર્માણ બંધારણ મુજબ થાય છે અને તે “નક્સલવાદી વિચારો” મુજબ થઈ શકતું નથી. આ ટિપ્પણી સામે તરત જ વાંધો ઉઠાવતા ડો. મુરલીધરે સોલિસિટરને શબ્દો પાછા ખેંચવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે કાર્યવાહીનું જીવંત પ્રસારણ થઈ રહ્યું છે અને આવી અભિવ્યક્તિ યોગ્ય નથી.
જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ બંને પક્ષોને અનાવશ્યક તણાવથી દૂર રહેવાની સલાહ આપી હતી, પરંતુ ડો. મુરલીધરે ફરી ભારપૂર્વક જણાવ્યું હતું કે કાયદાના અધિકારી પાસેથી વધુ શિસ્તબદ્ધ ભાષાની અપેક્ષા રાખવામાં આવે છે. ત્યારબાદ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે હસ્તક્ષેપ કરીને કહ્યું કે અદાલત માત્ર બંધારણીય મુદ્દાની કાનૂની વ્યાખ્યા પર વિચાર કરી રહી છે અને ચર્ચા તે મુદ્દા સુધી મર્યાદિત રહેવી જોઈએ.
આ પણ વાંચો: UNSCમાં કાયમી બેઠક માટે ભારતની દાવેદારીને ચાર યુરોપિયન દેશોનો ટેકો
સુનાવણી દરમિયાન બેન્ચે કેન્દ્ર સરકારને જવાબી સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે કાર્યવાહી પૂર્ણ થયા બાદ પણ ડો. મુરલીધરે પોતાના વિરોધની નોંધ કરાવી હતી. બીજી તરફ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈ વ્યક્તિને નક્સલાઈટ કહી રહ્યા નહોતા, પરંતુ માત્ર એવી વિચારસરણીનો ઉલ્લેખ કરી રહ્યા હતા જે બંધારણીય નિર્ણય પ્રક્રિયામાં વિશ્વાસ રાખતી નથી.
પછી વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ પણ ચર્ચામાં ભાગ લેતાં કહ્યું હતું કે સ્વતંત્ર રીતે વિચારવું એ નક્સલવાદી હોવાનો અર્થ નથી. જસ્ટિસ બાગચીએ પણ નોંધ્યું હતું કે કોઈને નક્સલાઈટ ગણાવવામાં આવે તો પણ તેના બંધારણીય અધિકારો ખતમ થતા નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે અદાલતોની વિશ્વસનીયતા એમાં છે કે સૌથી ગંભીર આરોપીઓ અને આતંકવાદીઓને પણ કાયદા મુજબ ન્યાયસંગત સુનાવણી મળે છે.
સામસામે તડાફડી…
ડો. એસ. મુરલીધર
“સોલિસિટર જનરલે ઉપયોગ કરેલો શબ્દ પાછો ખેંચવો જોઈએ.”
“આવી અભિવ્યક્તિ કોઈ કાયદાના અધિકારીને શોભતી નથી.”
“મેં કોઈ કાયદાના અધિકારીને અદાલતમાં આવું બોલતા સાંભળ્યા નથી.”
“અદાલતી શિષ્ટાચારનું પાલન થવું જોઈએ.”
સોલિસિટર જનરલ તુષાર મહેતા
“કાયદાનું નિર્માણ બંધારણ અને સંસદની પ્રક્રિયા મુજબ થાય છે.”
“મેં કોઈ વ્યક્તિને નહીં, એક વિચારસરણીને સંબોધી હતી.”
“મારા નિવેદન બદલ હું માફી માગતો નથી.”
“કેટલાક લોકો બંધારણીય નિર્ણય પ્રક્રિયામાં વિશ્વાસ રાખતા નથી.”
ન્યાયમૂર્તિઓની ટિપ્પણીઓ
“અમે માત્ર બંધારણીય મુદ્દાની કાનૂની વ્યાખ્યા પર વિચાર કરી રહ્યા છીએ.”
“કોઈને નક્સલાઈટ કહેવાથી તેના બંધારણીય અધિકારો ખતમ થતા નથી.”
“અદાલતોની શક્તિ દરેકને સમાન ન્યાય આપવાની છે.”
