UNSCમાં કાયમી બેઠક માટે ભારતની દાવેદારીને ચાર યુરોપિયન દેશોનો ટેકો
V4 દેશોએ ભારતને ‘ઊભરતી મહાસત્તા’ ગણાવ્યું
ન્યૂયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્ર દરમિયાન યોજાયેલી પ્રથમ V4-ભારત બેઠકમાં ભારતને યુએન સુરક્ષા પરિષદ (UNSC)માં કાયમી સભ્યપદ આપવા માટે ચાર મધ્ય યુરોપીય દેશોએ ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. હંગેરી, પોલેન્ડ, સ્લોવાકિયા અને ચેક રિપબ્લિકના સમૂહ V4 (વાઇઝેગ્રાડ ગ્રૂપ)એ ભારતની લાંબા સમયથી ચાલી રહેલી દાવેદારીને સમર્થન આપતાં વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે બેઠક બાદ જણાવ્યું હતું કે V4-ભારત સંવાદનો આ એક ઐતિહાસિક પ્રારંભ છે.તેમણે હવે દર વર્ષે વિદેશ મંત્રીઓની બેઠક તેમજ બિઝનેસ ફોરમનું આયોજન કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ભારત અને મધ્ય યુરોપીય દેશો વચ્ચે વ્યૂહાત્મક, આર્થિક અને રાજદ્વારી સહકારને વધુ મજબૂત બનાવવામાં આવશે.
સ્લોવાકિયાના વિદેશ મંત્રી જુરાજ બ્લાનારે જણાવ્યું હતું કે V4 દેશોની માન્યતા છે કે ગ્લોબલ સાઉથનું પ્રતિનિધિત્વ કરતું ભારત અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની ઉભરતી મહાસત્તા તરીકે ભારતને યુએન સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય તરીકે સ્થાન મળવું જોઈએ. આ નિવેદનને જયશંકરે પણ સોશિયલ મીડિયા પર શેર કરીને સ્વાગત કર્યું હતું.
આ પણ વાંચો: રશિયન તેલથી બેલારુસિયન પોટાશ સુધી; અમેરિકાના દોહરા ધોરણો અને ટ્રમ્પનો નવો દાવ
ભારતના કાયમી સભ્યપદના પ્રયાસોને અગાઉથી રશિયા, ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટન જેવા પ્રભાવશાળી દેશોનું પણ સમર્થન મળતું રહ્યું છે. તાજેતરના V4 સમર્થનથી યુએન સુધારાની ચર્ચામાં ભારતની સ્થિતિ વધુ મજબૂત બની હોવાનું રાજદ્વારી વર્તુળોમાં માનવામાં આવે છે.
શું છે V4 (વાઇઝેગ્રાડ ગ્રૂપ)?
V4 અથવા વાઇઝેગ્રાડ ગ્રૂપ મધ્ય યુરોપના ચાર દેશો – ચેક રિપબ્લિક, હંગેરી, પોલેન્ડ અને સ્લોવાકિયાનો રાજકીય તથા સાંસ્કૃતિક ગઠબંધન છે. 1991માં રચાયેલા આ મંચનો મુખ્ય હેતુ સભ્ય દેશો વચ્ચે રાજકીય, આર્થિક, સુરક્ષા, ઊર્જા અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં સહકાર વધારવાનો છે. યુરોપિયન યુનિયન અને નાટો જેવા મંચોમાં પણ આ ચાર દેશો અનેક મુદ્દાઓ પર સંયુક્ત અભિગમ અપનાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં V4 દેશો ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર અને ભારત સાથેના સંબંધોને વ્યૂહાત્મક મહત્વ આપી રહ્યા છે, જેના પરિણામે ભારત-V4 સહકારને નવી ગતિ મળી રહી છે.
