ગુજરાતના ખેડૂતો પર દેવાનો અસહ્ય બોજ અને કેન્દ્ર સરકારના સ્પષ્ટ ઇનકારથી ચિંતા
ગુજરાતમાં ‘વિકાસ’ અને ‘સમૃદ્ધિ’ના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ બીજી તરફ રાજ્યના અન્નદાતા એટલે કે ધરતીપુત્રો દેવાના અસહ્ય બોજ નીચે દબાઈ રહ્યા છે. લોકસભામાં સામે આવેલા તાજેતરના આંકડાઓએ સાબિત કરી દીધું છે કે ગુજરાતના ખેડૂતો આર્થિક સંકટના ખરાબ દોરમાં ફસાયેલા છે. ખેડૂતોની ડબલ આવક કરવાનો વાયદો માત્ર કાગળ પર જ રહી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
જાહેર ક્ષેત્રની બેન્કોનું 74,176 કરોડથી વધુનું કૃષિ ધિરાણ બાકી
લોકસભામાં રજૂ કરાયેલા અહેવાલ મુજબ, 31 માર્ચ, 2026 સુધીમાં ગુજરાતના ખેડૂતો પર જાહેર ક્ષેત્રની બેન્કોનું કુલ 74,176.52 કરોડ રૂપિયાનું કૃષિ ધિરાણ બાકી છે. આ ચિંતાજનક આંકડા સાથે દેશભરમાં સૌથી વધુ કૃષિ દેવું ધરાવતા રાજ્યોની યાદીમાં ગુજરાત 10મા ક્રમે આવે છે. ખાસ નોંધનીય બાબત એ છે કે આ આંકડામાં માત્ર સરકારી બેન્કોની લોન જ સામેલ છે, જો તેમાં સહકારી બેન્કો અને ખાનગી સાહુકારોનું દેવું ઉમેરવામાં આવે તો આ આંકડો ક્યાંય વધુ મોટો અને ભયાનક સાબિત થઈ શકે છે.
ખેતીનો વધતો ખર્ચ અને કુદરતી આફતોનો માર
એક તરફ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને ખેત મજૂરીના ભાવ આસમાનને આંબી રહ્યા છે, જેના કારણે ખેતી કરવી અત્યંત મોંઘી બની છે. બીજી તરફ અતિવૃષ્ટિ, પૂર કે વાવાઝોડા જેવી કુદરતી આફતોના કારણે દર વર્ષે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થાય છે. આ સંજોગોમાં ઘર ચલાવવા અને ખેતીનો ખર્ચ કાઢવા માટે ખેડૂતો બેન્કો અને અન્ય પાસેથી લોન લેવા મજબૂર બને છે, જેનાથી તેમના માથે દેવાનો પહાડ ઊભો થઈ ગયો છે.
આ પણ વાંચો: ઓનલાઇન કેબ કંપનીઓની નીતિઓ સામે ડ્રાઇવરોનો આક્રોશ: 2 લાખ વાહનોના પૈડાં થંભ્યા!
દેશના અન્ય રાજ્યોની સરખામણી અને કેન્દ્ર સરકારનો નકાર
દેશના કુલ કૃષિ દેવામાં એકલા ગુજરાતના ખેડૂતોનો હિસ્સો 4.2 ટકા જેટલો છે. તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યો આ યાદીમાં મોખરે છે, જ્યારે પડોશી રાજ્યો રાજસ્થાન અને મધ્ય પ્રદેશ પણ ગુજરાત કરતા સહેજ આગળ છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોને લોન માફીની મોટી આશા હતી, પરંતુ નાણા મંત્રાલયે સંસદમાં સાફ શબ્દોમાં જણાવી દીધું છે કે હાલ નાના અને સીમાંત ખેડૂતો માટે લોન માફીની કોઈ જ યોજના સરકારની વિચારણા હેઠળ નથી. કેન્દ્ર સરકાર દ્વારા હાથ ખંખેરવામાં આવતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે.
ગુજરાતનો ખેડૂત આજે આર્થિક અસ્થિરતા અને દેવાના ડુંગર નીચે પિસાઈ રહ્યો છે. જો સમયસર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રાહત પેકેજ કે સચોટ નીતિગત સહાય પૂરી પાડવામાં નહીં આવે, તો અન્નદાતાની આ દયનીય સ્થિતિ આગામી સમયમાં ગ્રામીણ અર્થતંત્ર માટે ભારે મુસીબત બની શકે છે.
