CIA ના વડાની મોસ્કોની ગુપ્ત ભેદી મુલાકાતથી અટકળોની આંધી: બન્ને પક્ષનું રહસ્યમય મૌન
ઈરાન-અમેરિકા ઘર્ષણ અને રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે થયેલી મુલાકાત અંગે વ્હેતી થઈ અનેક થિયરી
અમેરિકાની કેન્દ્રીય ગુપ્તચર સંસ્થા (CIA)ના ડિરેક્ટર જોન રેટક્લિફની મોસ્કોની અચાનક અને સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવેલી મુલાકાતે વૈશ્વિક રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. રશિયા-યુક્રેન યુદ્ધની પૃષ્ઠભૂમિ, નાટો સાથે વધતા તણાવ અને ઈરાન સામે અમેરિકાના વધતા દબાણ વચ્ચે થયેલી આ મુલાકાત પાછળનું વાસ્તવિક કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. CIA કે ક્રેમલિન, બંને તરફથી મુલાકાતના એજન્ડા અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, જેના કારણે વિવિધ અટકળો વધુ તેજ બની છે.
અમેરિકી મીડિયાના અહેવાલો મુજબ રેટક્લિફ મંગળવારે મોસ્કો પહોંચ્યા હતા અને તેમણે રશિયન અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. રસપ્રદ બાબત એ છે કે તેમના મોસ્કો પહોંચ્યાના થોડા કલાકો પહેલાં અમેરિકી વાયુસેનાનું C-17A ગ્લોબમાસ્ટર-III વિમાન મોસ્કોના વનુકોવો એરપોર્ટ પર ઉતર્યું હતું. વિમાન લાતવિયાની રાજધાની રીગાથી મોસ્કો પહોંચ્યું હતું અને તેની સાથે અમેરિકી રાજદ્વારી કાફલો પણ જોવા મળ્યો હતો.
વિશ્લેષકોનું માનવું છે કે આ મુલાકાતનો સંબંધ રશિયા-યુક્રેન યુદ્ધ સાથે હોઈ શકે છે. તાજેતરના ગુપ્તચર મૂલ્યાંકનોએ સંકેત આપ્યો હોવાનું કહેવાય છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વ્યૂહરચનામાં ફેરફાર આવી રહ્યો છે અને મોસ્કો નાટોની મક્કમતા ચકાસવા માટે વધુ આક્રમક અથવા પરોક્ષ પગલાં ભરવા વિચારી રહ્યું હોઈ શકે છે. આવી સ્થિતિમાં CIA પ્રમુખની મુલાકાતને કેટલાક નિષ્ણાતો સીધી ચેતવણીના સંદેશ તરીકે પણ જોઈ રહ્યા છે.
અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ રેટક્લિફની મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે અમેરિકાને એવી માહિતી મળી હોવાનું કહેવાય છે કે રશિયા વધુ એક વખત સૈન્ય મોબીલાઈઝેશનની તૈયારી કરી શકે છે. પૂર્વ અમેરિકી ગુપ્તચર અધિકારી બેથ સેનરે અનુમાન વ્યક્ત કર્યું હતું કે CIA પ્રમુખ કદાચ પુતિન પ્રશાસનને સ્પષ્ટ સંદેશ આપવા ગયા હોય કે અમેરિકા રશિયાની સંભવિત યોજનાઓથી વાકેફ છે અને તેને અમલમાં ન મૂકવાની ચેતવણી આપી રહ્યું છે.
બીજી તરફ કેટલાક વિશ્લેષકો આ મુલાકાતને ઈરાન સાથે પણ જોડીને જોઈ રહ્યા છે. ટ્રમ્પ પ્રશાસને ઈરાન પર આર્થિક દબાણ વધારવાની નવી વ્યૂહરચના અપનાવી છે અને તેહરાન સાથે નજીકના સંબંધો ધરાવતા દેશો પર પણ નજર રાખી છે. રશિયા ઈરાનનો મહત્વનો વ્યૂહાત્મક ભાગીદાર હોવાથી અમેરિકી દબાણ અભિયાનમાં મોસ્કોની ભૂમિકા મહત્વની બની શકે છે. આથી CIA પ્રમુખની મુલાકાતનો હેતુ રશિયાને ઈરાનથી અંતર રાખવા માટે સમજાવવાનો પણ હોઈ શકે છે.
આ પણ વાંચો: ભાગવતની રેલીનો વિરોધી છું, પણ કેન્સલ કરવાની સત્તા નથી: મામદાની
હાલમાં આ મુલાકાતનું સાચું કારણ રહસ્ય જ છે, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ, નાટો સાથેનો તણાવ અને ઈરાન મુદ્દા જેવા ત્રણ મોટા વૈશ્વિક સંકટોની વચ્ચે CIA પ્રમુખનું મોસ્કો પહોંચવું આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવા સમીકરણોની સંભાવનાઓ તરફ નિર્દેશ કરી રહ્યું છે.
શું રશિયા પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું છે ?
અમેરિકન રાજકીય વિશ્લેષક ગોર્ડન જી. ચાંગે CIA પ્રમુખની મોસ્કો મુલાકાતને રશિયાના સંભવિત પરમાણુ પગલાં સાથે જોડીને સવાલો ઊભા કર્યા છે. તેમના મતે પુતિન પ્રશાસન યુક્રેન સામે પરમાણુ હથિયારોના ઉપયોગ અંગે વિચારણા કરી રહ્યું હોવાની શક્યતાને નકારી શકાય નહીં. ચાંગે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે જો પરિસ્થિતિ ખરેખર એટલી ગંભીર હોય તો અમેરિકી સરકારે પોતાના નાગરિકોને વાસ્તવિક સ્થિતિથી અવગત કરાવવા જોઈએ. જોકે આ દાવાઓ માત્ર અટકળો છે અને CIA પ્રમુખની મુલાકાત પરમાણુ જોખમને લઈને જ હતી તેવા કોઈ જાહેર પુરાવા હાલ ઉપલબ્ધ નથી.
નાટો સાથે રશિયાના સંભવિત ઘર્ષણ તરફ નિર્દેશ
અમેરિકી ગુપ્તચર એજન્સીઓએ રશિયા નાટોની મક્કમતા ચકાસવા માટે કેટલાક ઉશ્કેરણીજનક અથવા પરોક્ષ પગલાં ભરી શકે તેવી ચિંતા વ્યક્ત કરી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. નિષ્ણાતોનું માનવું છે કે CIA પ્રમુખની મુલાકાતનો હેતુ રશિયાને આવી કોઈ કાર્યવાહીથી દૂર રહેવા માટે ચેતવણી આપવાનો હોઈ શકે છે. યુક્રેન દ્વારા રશિયાની અંદર કરવામાં આવતા હુમલાઓ અને શાંતિ વાટાઘાટોમાં આવેલા ઠેરાવ વચ્ચે મોસ્કો અને પશ્ચિમ દેશો વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે.
ઈરાન સામેના પ્રતિબંધો સમયે જે સૂચક મુલાકાત
કેટલાક પશ્ચિમી સુરક્ષા નિષ્ણાતોના મતે CIA પ્રમુખની મુલાકાતનો મુખ્ય સંબંધ ઈરાન સાથે હોઈ શકે છે. ટ્રમ્પ પ્રશાસન તેહરાન પર વધુ કડક આર્થિક અને રાજકીય દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે રશિયા હજુ પણ ઈરાનનો મહત્વપૂર્ણ સહયોગી છે. પૂર્વ બ્રિટિશ વાયુસેના અધિકારી એન્ડ્રુ ટર્નરે અનુમાન વ્યક્ત કર્યું છે કે વોશિંગ્ટન મોસ્કોને ઈરાન સાથેના સંબંધો મર્યાદિત કરવા અને તેહરાનને મળતું સમર્થન ઘટાડવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું હોઈ શકે છે. જો આ થિયરી સાચી હોય તો CIA પ્રમુખની મુલાકાત ઈરાનને અલગ પાડવાના અમેરિકી પ્રયાસોનો મહત્વપૂર્ણ ભાગ ગણાઈ શકે છે.
