જ્યારે તમે કાર ચલાવો છો, ત્યારે તમારું મગજ એકસાથે અનેક પ્રોસેસ કરતું હોય છે. રસ્તા પર નજર રાખવી, ક્લચ-બ્રેકનું સંતુલન જાળવવું અને આસપાસના વાહનોની ગતિનો અંદાજ કાઢવો. આટલી જટિલ પ્રક્રિયા વચ્ચે જ્યારે મ્યુઝિક આલ્બમનું નવું ગીત ઉમેરાય છે, ત્યારે મગજનું ફ્યુઝ ઉડી જાય છે.
તમે નોંધ્યું હશે કે જ્યારે તમે તમારું કોઈ ફેવરિટ અને જૂનું ગીત સાંભળતા કાર ચલાવો છો, ત્યારે તમને કોઈ તકલીફ નથી પડતી. વિજ્ઞાન કહે છે કે જૂનું ગીત તમારા મગજના ઓટો-પાયલટ મોડમાં સેવ થયેલું હોય છે. મગજને તેના શબ્દો કે ધૂન પ્રોસેસ કરવા માટે કોઈ વધારાની મહેનત નથી કરવી પડતી.
પરંતુ જ્યારે તમે રિલીઝ થયેલું તદ્દન નવું ગીત સાંભળો છો, ત્યારે ગેમ બદલાઈ જાય છે. તમારું મગજ અચાનક સતર્ક થઈને નવા શબ્દો, નવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ગાયકના અવાજના ઉતાર-ચઢાવને ડિકોડ કરવા લાગે છે. મનોવિજ્ઞાનમાં આને કોગ્નિટિવ ઓવરલોડ કહેવાય છે. મગજની જે ઊર્જા રસ્તા પર કોઈ અચાનક આવતા બ્રેકર કે વાહનને જોવા માટે વપરાવી જોઈતી હતી, તે ઊર્જા ગીતના શબ્દો સમજવામાં વપરાઈ જાય છે. આ કારણે ડ્રાઈવરનો રિએક્શન ટાઈમ ઘટી જાય છે અને અકસ્માત સર્જાય છે.
આજકાલની કાર્સ હવે વાહનો ઓછા અને ચાલતા-ફરતા આઈપેડ વધુ લાગે છે. કારના ડેશબોર્ડ પર 10 થી 12 ઈંચની વિશાળ ટચસ્ક્રીન હોય છે. જ્યારે નવું આલ્બમ રિલીઝ થાય છે, ત્યારે ડ્રાઈવર સ્પોટિફાય કે એપલ મ્યુઝિક પર ગીત બદલવા, પ્લેલિસ્ટ ચેક કરવા કે મનપસંદ ટ્રેક શોધવા માટે વારંવાર સ્ક્રીન પર નજર નાખે છે.
આ પણ વાંચો: અમેઠીની ફેક્ટરીમાંથી પ્રથમ સંપૂર્ણ ભારતીય AK- 203 રાઈફલનું નિર્માણ થયું!
સંશોધનો કહે છે કે જો ડ્રાઈવર ગીત બદલવા માટે માત્ર 3 થી 4 સેકન્ડ માટે પણ સ્ક્રીન પર નજર કરે અને કારની સ્પીડ 80 કિલોમીટર પ્રતિ કલાક હોય, તો એનો અર્થ એ થયો કે તેણે આશરે 100 મીટર સુધી આંખે પાટા બાંધીને કાર ચલાવી છે! માણસને હંમેશા એવો ભ્રમ રહે છે કે તે મલ્ટિટાસ્કિંગ કરી શકે છે. પણ વાસ્તવમાં મગજ એક સમયે એક જ કામ પર ફોકસ કરી શકે છે. તમે કાં તો રસ્તો જોઈ શકો, કાં તો સ્ક્રીન પર ગીતનું નામ વાંચી શકો.
આલ્કોહોલ પીધા પછી કાર ચલાવવી એ ગુનો છે, પણ અતિશય ભાવનાત્મક સંગીત સાંભળતા ડ્રાઈવિંગ કરવું એ એટલું જ ખતરનાક છે. મ્યુઝિક એ કોઈ સામાન્ય અવાજ નથી, તે સાયકોએક્ટિવ (મગજના રસાયણોને બદલનાર) તત્વ છે.
જ્યારે કોઈ પોપ સિંગરનું હાઈ-એનર્જી ગીત વાગે છે, ત્યારે ડ્રાઈવરના મગજમાં એડ્રેનાલિન હોર્મોન છૂટે છે. આ હોર્મોન તેને વધુ સ્પીડમાં કાર ચલાવવા અને વારંવાર લેન બદલવા માટે ઉશ્કેરે છે. બીજી તરફ, જો કોઈ બ્રેકઅપ આલ્બમ કે અત્યંત ઉદાસ ગીત વાગતું હોય, તો ડ્રાઈવર ભાવનાત્મક રીતે રસ્તા પરથી ડિસ્કનેક્ટ થઈ જાય છે. તે ભૌતિક રીતે કારમાં બેઠો હોય છે, પણ માનસિક રીતે તે ભૂતકાળના વિચારોમાં ખોવાઈ જાય છે. આ પરિસ્થિતિને ઈમોશનલ ડ્રંક ડ્રાઈવિંગ કહી શકાય, જેમાં માણસ શારીરિક નહિ પણ માનસિક નશામાં કાર ઠોકી બેસે છે.
ઓટોમોબાઈલ કંપનીઓ કારને વધુને વધુ સુરક્ષિત બનાવી રહી છે. એબીએસ, એરબેગ્સ અને સેન્સર્સ આવી ગયા છે. પણ બીજી તરફ એ જ કંપનીઓ ડેશબોર્ડ પર મોટા મનોરંજનના પડદા લગાવીને ડ્રાઈવરને સતત ડિસ્ટ્રેક્ટ પણ કરી રહી છે.
નવા મ્યુઝિક આલ્બમ સાથે વધતા અકસ્માતોનો ડેટા આપણને ચેતવણી આપે છે કે કારનું કેબિન એ કોઈ કોન્સર્ટ હોલ નથી. રસ્તા પર ચાલતી 1500 કિલોની લોખંડની કાર એક હથિયાર જેવી છે. સંગીત સાંભળવું એ ગુનો નથી, પણ સંગીતને તમારા મગજ પર કબજો જમાવવા દેવો અને સ્ટીયરિંગ પરથી ફોકસ હટાવવું એ સીધી આત્મહત્યા છે. ટેકનોલોજીની આ જંજાળ વચ્ચે આપણે ફરીથી સમજવું પડશે કે ડ્રાઈવિંગ કરતી વખતે તમારું મન માત્ર અને માત્ર રસ્તા પર હોવું જોઈએ.
