પાકિસ્તાનને સદા માટે કચડી નાખો
કાશ્મીરમાં ત્રણ જવાનોની શહાદત બાદ ઠેર ઠેર પાકિસ્તાન વિરોધી દેખાવો
જમ્મુ સહિત અનેક સ્થળે રેલી, ધારણા સૂત્રોચ્ચાર, પાકિસ્તાનના ધ્વજ સળગાવ્યા: શહીદોના નિવાસ્થાને હજારોની મેદની: એન્કાઉન્ટર ચાલુ
જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કાંકરેગ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની મૂઠભેડમાં ત્રણ જવાનો શહીદ થતાં સમગ્ર દેશ સ્તબ્ધ બની ગયો છે. આ આતંકવાદી ઘટના પાછળ પાકિસ્તાનનો હાથ હોવાની રોષભરી લાગણી સાથે જમ્મુ સહિત દેશમાં અનેક સ્થળે લોકોએ દેખાવો કર્યા હતા. યુવા ભાજપ, ડોગરા સમુદાય તેમજ અન્ય સંગઠનો દ્વારા રેલી સૂત્રોચાર અને પાકિસ્તાનના ધ્વજ દહનના કાર્યક્રમો યોજાયા હતા. અનેક શહેરોમાં શાળાના બાળકોએ મીણબત્તીઓ પ્રગટાવી શહીદોને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી. શહીદ થયેલા વીર જવાનોના નિવાસ્થાનોએ પણ હજારો લોકો એકત્ર થયા હતા અને ભારત માતાકી જય,શહીદો અમર રહો તેમજ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા.
કાંકરેગ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી બાદ રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા મંગળવારે રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન થયેલા સામસામે ગોળીબારમાં રાષ્ટ્રીય રાયફલસના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધોણક અને અને કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયું ભટ્ટ શહીદ થયા હતા.
આ બનાવ બાદ સેના દ્વારા જંગલમાં છુપાયેલા બે આતંકવાદીઓને ઠાર કરવા માટે સમગ્ર વિસ્તારને અભેદ ઘેરાબંધી કરી દેવામાં આવી હતી. ગાઢ જંગલ અને પર્વતીય વિસ્તાર માટેના સ્પેશિયલ ફોર્સને પણ તૈનાત કરી દેવાયો હતો. આર્મી હેલિકોપ્ટર દ્વારા હવાઈ નિરીક્ષણ શરૂ કરી દેવાયું હતું.
આતંકી ઉઝેર ઉપર દશ લાખનું ઈનામ છે.
જંગલમાં છુપાયેલા બે આતંકવાદીઓ પૈકીના લશ્કર એ તૈયબાના કમાન્ડર ઉઝેર ખાનનો મોસ્ટ વોન્ટેડ ની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેના માથા માટે દસ લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. કાશ્મીરમાં સ્થાનિક આતંકવાદ મંદ પડી રહ્યો છે ત્યારે પણ મોરચો સંભાળનાર આ આતંકવાદી અગાઉના અનેક હુમલાઓમાં સંડોવાયેલો છે.
આ શહીદોને સો સો સલામ
41 વર્ષના કર્નલ મનપ્રીત સિંહના પત્ની જગપ્રિત કૌર શિક્ષિકા છે તેમને છ વર્ષનો પુત્ર અને બે વર્ષની પુત્રી છે. કર્નલ મનપ્રીતે બે દિવસ પહેલા જ પરિવાર સાથે ફોન ઉપર વાત કરી હતી અને ઉતાવળમાં હોવાથી બાદમાં નિરાંતે વાત કરશું એમ કહી તેઓ કોમ્બિંગ ઓપરેશનમાં સામેલ થઈ ગયા હતા. તેમની શાહદત અંગે ગુરૂવાર સવાર સુધી તેમના પત્નીને જાણ કરવામાં નહોતી આવી.
દેશ માટે કુરબાની આપનાર બીજા વીર જવાન આશિષ ધોણકને તેમના શૌર્ય બદલ સેના મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ શહીદને બે વર્ષની પુત્રી છે. તેઓ તેમની ત્રણ બહેનોના એકના એક ભાઈ હતા.
મંગળવારે થયેલી અથડામણમાં શહીદ થયેલા જમ્મુ કાશ્મીર પોલીસના 29 વર્ષના યુવાન ડીએસપી હુમાયુ ભટ્ટના પિતા ગુલામ હસન ભટ્ટ જમ્મુ કાશ્મીરના નિવૃત આઈજી છે. તેમણે જ્યારે પોતાના બહાદુર યુવાન પુત્રના કોફીન ઉપર પુષ્પ અર્પણ કર્યા ત્યારે ઉપસ્થિત સૌની આંખો ભીંજાઈ ગઈ હતી.
આર્મી પર હુમલા ની વધતી જતી ઘટનાઓ
મંગળવારે જ રાજૌરીમાં બનેલી ઘટનામાં એક જવાન નું મૃત્યુ થયું હતું અને ત્રણ ઘવાયા હતા. એ પહેલા 21 મી એપ્રિલે પૂંચ જિલ્લાના ભીમભેર ગલી વિસ્તારમાં આર્મીના કાફલા ઉપર આતંકવાદીઓએ કરેલા હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા. મે મહિનામાં પણ રાજૌરી જિલ્લાના કાંડી કોતરોક વિસ્તારમાં થયેલા હુમલામાં સ્પેશિયલ ફોર્સના બે જવાનો સહિત પાંચ સૈનિકોના મૃત્યુ થયા હતા. ચોથી ઓગસ્ટે કુલગામમાં આર્મીના ટેંટ ઉપર થયેલા હુમલામાં ત્રણ જવાનોનો ભોગ લેવાયો હતો.
હવે તો યુદ્ધ એ જ કલ્યાણ
શહીદ આશિષ ધોણકના નિવાસ્થાને હજારો લોકો એકત્ર થયા હતા ત્યારે તેમના વૃદ્ધ પાડોશી એ કહ્યું કે બધા જાણે છે કે પાકિસ્તાન આપણી સામે પ્રોક્સી વોર લડી રહ્યું છે. આપણે સેનાએ હવે આખરી જવાબ આપવો જોઈએ જેથી કોઈ માતાએ પોતાના પુત્રના કે કોઈ બેને પોતાના ભાઈના મૃત્યુ ઉપર આંસુ ન સારવા પડે. તેમણે અશ્રુભરી આંખે ઉમેર્યું કે પાકિસ્તાનને ખતમ કરી દો જેથી કોઈ પત્નીના માથાનું સિંદૂર ન ભૂસાઈ અને કોઈ બાળકના જીવનમાંથી પિતાની છત્રછાયા ન છીનવાઈ જાય.
TRF સંગઠનને જવાબદારી લીધી
કાશ્મીરમાં કાર્યરત ધી રેઝિસ્ટન્સ ફોર્સ ( TRF ) નામના આતંકવાદી સંગઠને આ બનાવવાની જવાબદારી લીધી છે. ત્રણ દિવસ પહેલા પીઓકે માં મારી આ ગયેલા મૂળ પૂંછ ના આતંકવાદી મહમદ રિયાઝની હત્યાનો બદલો ત્રણ જવાનોના મોતથી લીધા હોવાનો સંદેશો આ સંગઠને સોશિયલ મીડિયા પર વહેતો કર્યો હતો.
કાશ્મીરમાં હાલમાં મુખ્યત્વે ધ રેસિસ્ટન્સ ફોર્સ (ટી આર એફ) અને કાશ્મીર ફ્રીડમ ફાઈટર(કે એફ એફ) નામના બે આતંકવાદી સંગઠનો કાર્યરત છે. બન્ને સંગઠનો સ્થાનિક યુવાનોના હોવાનો દાવો થઈ રહ્યો છે પણ તેમાંથી ટીઆરએફ તો લશ્કર એ તેયબાની જ ઓળખ બદલાયેલી આવૃત્તિ છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર પાંચમી ઓગસ્ટ 2019ના રોજ 370મી કલમ નાબૂદ કરવામાં આવી તે પછી તુરત જ ટીઆરએફસક્રિય બન્યું હતું. ઓક્ટોબર મહિનામાં તેના આતંકીઓએ શ્રીનગરમાં ગ્રેનેડ વડે કરેલા હુમલામાં આઠ નાગરિકો ઘવાયા હતા. જો કે ત્યારે આ સંગઠનની ખાસ નોંધ લેવાઈ નહોતી. ત્યાર બાદ ફેબ્રુઆરી મહિનામાં શ્રી નગરના લાલચોકમાં સીઆરપીએફ ઉપર ગ્રેનેડ ફેંકવામાં આવ્યા હતા. એપ્રિલ 2020માં કૂપવાડામાં થયેલી અથડામણમાં ભારતીય લશ્કરના પાંચ કમાન્ડો શહીદ થયા તે પછી આ સંગઠનનો પર્દાફાશ થયો હતો. એ અથડામણમાં માર્યા ગયેલા પાંચ આતંકવાદીઓમાંથી ત્રણ સ્થાનિક આતંકીઓ હતા.એ જ મહિનાની 18મી તારીખે સોપોર વિસ્તારમાં થયેલી બીજી એક અથડામણમાં સીઆરપીએફના ચાર જવાનો મૃત્યુ પામ્યા હતા. મે મહિનામાં કૂપવારાના હાંડવારામાં ચાર જવાનોએ શહીદી વહોરી હતી. તેમાં એક કર્નલ અને એક મેજર હતા. તે ઘટનામાં પણ આ જ સંગઠનનો હાથ હોવાનું માનવામાં આવે છે.
