એક જ ‘mAadhaar’ એપમાં ઉમેરી શકાશે 5 પ્રોફાઈલ, ફિઝિકલ કાર્ડ સાથે રાખવાની ઝંઝટ થઈ ખતમ
આધાર કાર્ડ યુઝર્સ માટે UIDAI એ મોટી રાહતના સમાચાર આપ્યા છે. હવે તમારે પર્સમાં કે ફાઈલમાં પરિવારના બધાના ફિઝિકલ આધાર કાર્ડ સાથે રાખવાની જરૂર નહીં પડે. UIDAIએ mAadhaar એપમાં નવું ફીચર ઉમેર્યું છે જેના દ્વારા એક જ મોબાઈલ ફોનમાં 5 જેટલી આધાર પ્રોફાઈલ એકસાથે મેનેજ કરી શકાશે. આ અપડેટની જાહેરાત UIDAI દ્વારા સત્તાવાર X હેન્ડલ પર કરવામાં આવી છે.
એક ફોનમાં 5 આધાર – કોના માટે ફાયદાકારક?
આ નવી સુવિધા ખાસ કરીને એવા લોકો માટે આશીર્વાદરૂપ છે જેઓ ઘરમાં બાળકો, વડીલો કે અન્ય સભ્યોના આધાર સંબંધિત કામકાજ સંભાળે છે.
પહેલાં શું મુશ્કેલી હતી:
પરિવારના દરેક સભ્યનું અલગ-અલગ પ્લાસ્ટિક/પેપર કાર્ડ સાથે રાખવું પડતું હતું
પ્રવાસ કે હોસ્પિટલમાં કાર્ડ ખોવાઈ જવાનો કે ફાટી જવાનો ડર રહેતો હતો
ઓળખ બતાવતી વખતે એક-એક કરીને કાર્ડ શોધવામાં સમય બગડતો હતો
હવે શું ફાયદા થશે:
5 પ્રોફાઈલ એક જગ્યાએ: એક જ mAadhaar એપમાં 1થી 5 પ્રોફાઈલ એડ કરી શકાશે
કાર્ડ સુરક્ષિત: ફિઝિકલ કાર્ડ સાથે ન રાખવાથી માહિતી વધુ પ્રાઈવેટ અને સુરક્ષિત રહેશે
ઝડપી કામ: QR કોડથી તરત ઓળખ બતાવી શકાશે, કાર્ડ શોધવાની ઝંઝટ ખતમ
આ પણ વાંચો: કેબ કંપનીઓને કેન્દ્ર સરકારનો કડક આદેશ, ઓલા-ઉબરના ગ્રાહકોને મોટી રાહત
ફોનમાં mAadhaar એપ દ્વારા આધાર પ્રોફાઈલ કેવી રીતે ઉમેરવી?
માત્ર 2 મિનિટમાં તમે પરિવારના સભ્યોની પ્રોફાઈલ એપમાં ઉમેરી શકો છો:
જો તમે પણ આ નવી સુવિધાનો લાભ લેવા માંગતા હોવ, તો નીચે મુજબના સરળ સ્ટેપ્સ ફોલો કરો:
એપ ડાઉનલોડ કરો: સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોર (Android) અથવા એપ સ્ટોર (iOS) પરથી સત્તાવાર mAadhaar એપ ડાઉનલોડ કરો.
સિક્યોરિટી પિન બનાવો: એપ ઓપન કરીને સુરક્ષા માટે તમારો 6-અંકનો સિક્યોરિટી પિન સેટ કરો.
Add Profile વિકલ્પ પસંદ કરો: એપની હોમ સ્ક્રીન અથવા ડેશબોર્ડ પર આપેલા “Add Profile” ના ઓપ્શન પર ટેપ કરો.
ઓળખ વિગતો દાખલ કરો: જે-તે વ્યક્તિનો આધાર નંબર દાખલ કરો અથવા આધાર કાર્ડ પર આપેલો QR કોડ સ્કેન કરો.
OTP અને ઓથેન્ટિકેશન: આધાર કાર્ડ સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો OTP (વન-ટાઇમ પાસવર્ડ) દાખલ કરો અથવા ફેસ ઓથેન્ટિકેશન પૂરું કરો.
સફળતાપૂર્વક પ્રોફાઈલ એડ: વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થતાં જ પરિવારના સભ્યની પ્રોફાઈલ તમારા ફોનમાં સક્સેસફુલી ઉમેરાઈ જશે.
આ જ રીતે તમે એક પછી એક પરિવારના અન્ય સભ્યોની પ્રોફાઈલ પણ ઉમેરી શકો છો. વારંવાર કાર્ડ સાથે રાખવાની પરેશાનીથી બચવા માટે આજે જ આ સુવિધાનો ઉપયોગ શરૂ કરી શકો છો.
મહત્ત્વની નોંધ
દરેક પ્રોફાઈલ એડ કરવા માટે તે આધાર સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. તેથી પરિવારના સભ્યોના નંબર એક્ટિવ હોવા જરૂરી છે.
UIDAIના આ નવા અપડેટથી હવે કાર્ડ ખોવાવાની, ખરાબ થવાની ચિંતા દૂર થઈ છે. જો તમે પણ વારંવાર કાર્ડ સાથે રાખવાની ઝંઝટથી બચવા માંગતા હોવ તો આજે જ mAadhaar એપ અપડેટ કરી લો.
