CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી ડેટા સેન્ટર પોલિસી, 6 લાખ કરોડનું રોકાણ અને 7.5 ગીગાવોટનો લક્ષ્યાંક
ડિજિટલ યુગમાં ડેટાને નવી તેલની ખાણ માનવામાં આવે છે. આ જરૂરિયાતને પહોંચી વળવા ગુજરાત સરકારે મોટું પગલું ભર્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29’નું અનાવરણ કરવામાં આવ્યું. દેશમાં આ પ્રકારની ખાસ નીતિ જાહેર કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. નવી પોલિસીનો ઉદ્દેશ રાજ્યમાં ₹6 લાખ કરોડનું રોકાણ આકર્ષવાનો અને 7.5 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટર્સ ઉભા કરવાનો છે.
દેશમાં પ્રથમ, ગુજરાતે રચ્યો ઇતિહાસ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમમાં જણાવ્યું કે આજે આખો દેશ ડેટા સેન્ટરની વાત કરી રહ્યો છે, પરંતુ તેના માટે અલગ પોલિસી લાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. તેમણે કહ્યું કે માત્ર ધોલેરા માટે જ 10 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટરનો પ્રસ્તાવ સરકારને મળી ચૂક્યો છે અને તેના પર કામ પણ શરૂ થઈ ગયું છે. આનાથી ગુજરાત રોકાણકારો માટે એક મજબૂત બ્રાન્ડ તરીકે સ્થાપિત થઈ રહ્યું છે.
₹6 લાખ કરોડનું રોકાણ અને લાખો રોજગારીનું લક્ષ્ય
મુખ્ય સચિવના જણાવ્યા મુજબ, આ પોલિસી ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. સરકારનું ટાર્ગેટ આગામી વર્ષોમાં રાજ્યમાં આશરે ₹6 લાખ કરોડનું રોકાણ લાવવાનું અને 7.5 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટર્સ વિકસાવવાનું છે.
1 ગીગાવોટ ડેટા સેન્ટર માટે દરરોજ અંદાજે 3.5 કરોડ લીટર પાણી અને લાખો ઘરો જેટલી વીજળીની જરૂર પડે છે. ગુજરાત પાસે રિન્યુએબલ એનર્જીની મજબૂત ક્ષમતા હોવાથી આ ક્ષેત્રમાં રાજ્યને સ્પષ્ટ ફાયદો મળશે.
આ પણ વાંચો: યુદ્ધના સમાચાર વચ્ચે સોનામાં કડાકો: 10 ગ્રામ સોનું 1.43 લાખની નીચે, ચાંદી પણ લપસી
કંપનીઓને મળશે મોટા પ્રોત્સાહનો, સિંગલ વિન્ડો ક્લિયરન્સ
નવી નીતિ હેઠળ ડેટા સેન્ટર સ્થાપતી કંપનીઓને અનેક પ્રોત્સાહનો આપવામાં આવશે. જેમાં જમીન, પાવર ટેરિફમાં રાહત અને સ્ટેમ્પ ડ્યુટીમાં છૂટનો સમાવેશ થાય છે.
પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગને નોડલ એજન્સી જાહેર કરવામાં આવી છે. આ વિભાગ રોકાણકારોને સિંગલ વિન્ડો ક્લિયરન્સ આપશે, જેથી મંજૂરીઓ માટે ભટકવું ન પડે.
51% ગ્રીન એનર્જી ફરજિયાત, બનશે ‘ગ્રીન ડેટા હબ’
પર્યાવરણને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વપૂર્ણ શરત મૂકી છે. દરેક ડેટા સેન્ટરે પોતાના કુલ વીજ વપરાશમાંથી ઓછામાં ઓછા 51% વીજળી સૌર, પવન અથવા અન્ય રિન્યુએબલ સ્ત્રોતોમાંથી લેવી પડશે. આ નિર્ણયથી ગુજરાત દેશનું સૌથી મોટું ગ્રીન ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબ બની શકે છે.
આ માટે GUVNL દ્વારા રાજ્યના ટ્રાન્સમિશન નેટવર્ક અને સબ-સ્ટેશનોને પણ મજબૂત બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ગૂગલ, માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓનું ફોકસ ગુજરાત પર
કાર્યક્રમમાં અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે અત્યારે ભારતમાં માત્ર 200 ડેટા સેન્ટર્સ છે જ્યારે અમેરિકામાં 30 ગીગાવોટ ક્ષમતા છે. ગુજરાત પાસે એકલા 10 ગીગાવોટના પ્રસ્તાવ આવી ચૂક્યા છે.
સરકારને વિશ્વાસ છે કે આ પોલિસી બાદ ગૂગલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન જેવી વૈશ્વિક ટેક કંપનીઓ ગુજરાતમાં ડેટા સેન્ટર સ્થાપવા માટે આગળ આવશે. જેના પરિણામે રાજ્યમાં મોટા પાયે રોકાણ, રોજગારી અને ટેક્નોલોજી આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે.
ટૂંકમાં, આ પોલિસી સાથે ગુજરાત હવે માત્ર મેન્યુફેક્ચરિંગ હબ જ નહીં, પરંતુ ભારતનું ‘ડેટા કેપિટલ’ બનવા તરફ આગળ વધી રહ્યું છે.
