દિલ્હીમાં દોડતી ઈ- રિક્ષા અચાનક બંધ કરી દેતી બે ચાઈનીઝ એપ પર પ્રતિબંધ
Bluetooth દ્વારા ઈ-રિક્શાની બેટરી સાથે જોડાઈ વાહન બંધ કરાતાં અનેક ચાલકો હેરાન
દિલ્હીમાં ઈ-રિક્શાચાલકોને પરેશાન કરવા માટે બે ચાઈનીઝ મોબાઇલ એપનો દુરુપયોગ થતો હોવાનું સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી કરી છે. BAT BMS અને Epoch Li-ion નામની બંને એપને Google Play Store અને Apple App Store પરથી હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ એપની મદદથી Bluetooth મારફતે ઈ-રિક્શાની બેટરી સાથે જોડાઈ વાહન અચાનક બંધ કરી દેવામાં આવતું હોવાથી અનેક ચાલકોને કલાકો સુધી રસ્તા પર અટવાઈ રહેવાનો વારો આવ્યો હતો.
BAT BMS અને Epoch Li-ion એપ મૂળ લિથિયમ-આયન બેટરીના સંચાલન માટે બનાવવામાં આવી હતી. તેના દ્વારા બેટરીનું વોલ્ટેજ, તાપમાન, ચાર્જિંગ અને અન્ય માહિતી જોઈ શકાય છે. જોકે, કેટલીક ઈ-રિક્શામાં બેટરી મેનેજમેન્ટ સિસ્ટમમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી લોકો આ એપનો દુરુપયોગ કરવા લાગ્યા હતા.
આ પણ વાંચો: કર્ણાટકની યુનિવર્સિટીની કમાલ: સાંજે 5:30એ પરીક્ષા પૂરી થઇ, 5:35એ પરિણામ
દુરુપયોગ કરનારા લોકો નજીકમાં ઉભા રહી Bluetooth દ્વારા ઈ-રિક્શાની બેટરી સાથે જોડાઈ ‘ડિસ્ચાર્જ સ્વિચ’ ચાલુ કરી દેતા હતા. પરિણામે ઈ-રિક્શા તરત જ બંધ થઈ જતી હતી અને ડ્રાઇવર રસ્તા વચ્ચે લાચાર બની જતો હતો. વાહન ફરી શરૂ કરવા માટે ફરીથી એપ દ્વારા જ બેટરી ચાલુ કરવી પડતી હતી. કેટલાક રીક્ષા ચાલકોને તો એ પણ ન સમજાતું કે તેમની રીક્ષા અચાનક કેમ બંધ થઈ ગઈ છે.
આ ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એક વીડિયોમાં આખો દિવસ રસ્તા પર અટવાયેલા રિક્ષાચાલકે એક દિવસની રૂ. 400થી 500ની કમાણી ગુમાવ્યાનું સામે આવ્યું હતું. ઘણા ચાલકો પાસે સ્માર્ટફોન ન હોવાથી અથવા એપનો ઉપયોગ કરતાં ન આવડતાં તેમને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
કઈ રીતે ઠપ્પ કરી શકાય પૈડાં?
BAT BMS અને Epoch Li-ion એપ મૂળ બેટરીનું મોનિટરિંગ કરવા માટે બનાવવામાં આવી છે. પરંતુ સુરક્ષા વિનાની બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ ધરાવતી ઈ-રિક્શા નજીક પહોંચીને કોઈપણ વ્યક્તિ Bluetooth દ્વારા બેટરી સાથે જોડાઈ શકે છે. ત્યારબાદ એપમાં રહેલા ‘ડિસ્ચાર્જ સ્વિચ’ અથવા પાવર-ઓફ વિકલ્પને સક્રિય કરતાં બેટરીનો વીજ પુરવઠો બંધ થઈ જાય છે અને ઈ-રિક્શા તરત જ ઠપ્પ થઈ જાય છે. આ ખામીનો ઉપયોગ કેટલાક લોકો મજાક માટે કરતા હોવાથી અનેક રિક્ષાચાલકોને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું. સરકારના જણાવ્યા મુજબ આ કોઈ હેકિંગ નહીં, પરંતુ બેટરીની સુરક્ષાની ખામીને કારણે શક્ય બનતો દુરુપયોગ હતો.
