ડીઝલ કાર મોંઘી થવાના એંધાણ : પોલ્યુશન ટેક્સ લાદવાની સરકારની વિચારણા
નીતિન ગડકરીએ કહ્યું ૧૦ ટકા ટેક્સની દરખાસ્ત તૈયાર કરાશે
તેમના મતે દેશમાં ડીઝલ વાહનોને ઘટાડવાનો આ એકમાત્ર રસ્તો છે.
કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી ડીઝલ વાહનો પર 10 ટકા વધારાનો GST ટેક્સ લાદવા માટે નાણા મંત્રાલયને પ્રસ્તાવ આપવાનું વિચારી રહ્યા છે. જેનો હેતુ મોટાભાગના કાર ખરીદનારાઓને ગ્રીન એનર્જી પર ચાલતા વાહનો તરફ વાળવાનો છે. નીતિન ગડકરીએ આ ટેક્સને પોલ્યુશન ટેક્સ નામ આપ્યું છે. તેમના મતે દેશમાં ડીઝલ વાહનોને ઘટાડવાનો આ એકમાત્ર રસ્તો છે.
ગડકરીએ વધુમાં કહ્યું કે, અમે ઓટોમોબાઈલ ઉદ્યોગને ડીઝલ એન્જિન વાહનોના ઉત્પાદનમાં ઘટાડો કરવા વિનંતી કરી રહ્યા છીએ, અન્યથા આ ટેક્સ લાગુ કરવો જરૂરી બની જશે. જેના કારણે આ વાહનોના વેચાણમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
નીતિન ગડકરીનું આ નિવેદન તેમણે સિયામના 63માં કોન્વોકેશનમાં જે કહ્યું હતું તે પછી આવ્યું છે, જેમાં તેઓ ઓટો ઈન્ડસ્ટ્રીને પોતાના સંબોધનમાં હસતા હસતા કહી રહ્યા છે, “હું નાણામંત્રી સાથે મીટિંગ કરવા જઈ રહ્યો છું અને મીટિંગમાં હું તેમને ડીઝલ પર ચાલતા તમામ પ્રકારના એન્જિન પર 10% ટેક્સ લાદવા વિનંતી કરવા જઈ રહ્યો છું, પછી તે વાહનો હોય કે જનરેટર, અને આ માટે મેં એક પત્ર પણ લખ્યો છે.”