જાંબુડાના પાટિયા પાસે કઈઇની ટીમે ફિલ્મી ઢબે વોચ ગોઠવી ૨૯,૨૪૩ બોટલ ભરેલો ટ્રક પકડાયો, ૧.૫૯ કરોડનો મુદ્દામાલ જપ્ત
ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે જામનગર-રાજકોટ હાઈવે પર જાંબુડા ગામના પાટિયા પાસે પોલીસે એક બંધ બોડીના ટ્રકમાંથી દારૂની ૨૯,૨૪૩ બોટલ સહિત ૧.૫૯ કરોડનો મુદ્દામાલ ઝડપી લીધો છે.
આ અંગેની વિગતો મુજબ, જામનગર પંચકોષી એ-ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતા હાઈવે પર ગત મોડી રાત્રે એલ.સી.બી.ની ટીમે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન એક ભારત બેન્જ કંપનીનો બંધ બોડીનો ટ્રક શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે પોલીસે આ ટ્રકની તલાશી લીધી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ટ્રકની અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી કુલ ૨૯,૨૪૩ બોટલો મળી આવી હતી, જેની બજાર કિમત અંદાજે ૧,૩૯,૭૯,૮૦૦ થાય છે.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે ટ્રક ચાલક રાજુ ઉર્ફે દેવો ખીમાભાઈ મોરી (રબારી) (ઉં.વ. ૩૦, રહે. આદિત્યાણા, પોરબંદર) ને રંગેહાથ ઝડપી પાડ્યો છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ દારૂનો જથ્થો રાણાવાવના કરશન કાનાભાઈ કોડીયાતર અને ભાણવડના દુદા દેવરાજભાઈ કોડીયાતરે મંગાવ્યો હતો. આ બંને મુખ્ય આરોપીઓ અને દારૂ ભરી આપનાર અજાણ્યા શખ્સને પોલીસે ફરાર જાહેર કરી તેમની શોધખોળ તેજ કરી છે.
જામનગર એલસીબીની આ કામગીરીથી બુટલેગરોમાં ભારે દોડધામ મચી ગઈ છે. પંચકોષી એ-ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પી.આઈ. એમ.એન. શેખને સોંપવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આટલો મોટો જથ્થો કયા રાજ્યમાંથી આવ્યો હતો અને જામનગરમાં કોને પહોંચાડવાનો હતો. ફરાર આરોપીઓની ધરપકડ બાદ આ રેકેટના વધુ ખુલાસા થવાની શક્યતા છે
