રેન્જ DIG નિર્લિપ્ત રાયે 5 જિલ્લાના 29 ભાગેડુ આરોપીઓનું લિસ્ટ કર્યું જાહેર: સચોટ માહિતી આપનારને મળશે રોકડ ઈનામ
રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ડીઆઈજી તરીકે કાર્યરત હતા ત્યારે તેમણે ગંભીર ગુનામાં વર્ષોથી નાસતાં ફરતાં આરોપીઓની માહિતી આપનાર માટે ઈનામની જાહેરાત કર્યા બાદ સચોટ માહિતી મળી જતાં અનેક આરોપી જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા હતા. આવી જ પદ્ધતિ તેમણે રાજકોટ સહિત પાંચ જિલ્લા માટે અપનાવી 29 ભાગેડુ આરોપીઓની માહિતી આપનાર માટે ઈનામની જાહેરાત કરી છે.
નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓ જેમાં રાજકોટ ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગંભીર પ્રકારના ગુના આચરી નાસતા-ફરતા આરોપીઓની વારંવાર તપાસ કરતા મળી આવ્યા ન હોય તેમના વિરુદ્ધ ધરપકડ વોર્ટ કોર્ટમાંથી મેળવી બજવણીના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
આમ છતા આરોપીઓ મળી આવ્યા ન હોય તેમને શોધી કાઢવા માટે પોલીસને સચોટ માહિતી આપનારને 5,000 થી લઇ 20,000 સુધીના રોકડ ઈનામની જાહેરાત કરવામાં આવી છે. જે ભાગેડું આરોપીઓ છે તેમાં નશીલા પદાર્થની હેરાફેરી, પોક્સોના આરોપી સહિતના ગંભીર ગુનાના આરોપી સમાવિષ્ટ છે.
