રાજકોટ રેલવેએ 87 ડબ્બાની માલગાડી દોડાવી મોટી સિદ્ધિ કરી હાંસલ: ડિવિઝનને 40 લાખની આવક, 306 કિમીનું અંતર કાપ્યું
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને વિન્ડમિલ (જામનગર પાસે) થી તેની પ્રથમ લોંગ-હોલ “મેગા માલગાડી” નું સફળતાપૂર્વક સંચાલન કરીને એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. 87 વેગન ધરાવતી આ ટ્રેનને બે માલગાડીઓને જોડીને એક સિંગલ લોંગ-હોલ ટ્રેન તરીકે તૈયાર કરવામાં આવી હતી. આ માલવાહક ક્ષમતા, ઓપરેશનલ કાર્યક્ષમતા અને સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગની દિશામાં એક મોટું પગલું છે. આ પ્રથમ લોંગ-હોલ “મેગા ટ્રેન” ના સંચાલનથી ડિવિઝનને અંદાજે ₹40 લાખની આવક પણ પ્રાપ્ત થઈ છે.
આ લોંગ-હોલ ટ્રેન 24 માર્ચના રોજ વિન્ડમિલ (જામનગર પાસે) થી અમદાવાદ ડિવિઝનના કટોસણ રોડ સુધી ચલાવવામાં આવી હતી, જેણે અંદાજે 306 કિમીનું અંતર 30.50 કિમી/કલાકની સરેરાશ ઝડપે કાપ્યું હતું. આ સફળ સંચાલન ડિવિઝનની તકનીકી ક્ષમતા, ઝીણવટભર્યું આયોજન અને અસરકારક આંતર-ડિવિઝનલ સંકલન દર્શાવે છે.

લોંગ-હોલ ટ્રેનને બે માલગાડીઓ (રેક) ને એકસાથે જોડીને તૈયાર કરવામાં આવી હતી જેમાં 45 કન્ટેનર વેગન અને 42 કવર્ડ વેગન હતા.
આ સંકલિત માળખાએ એક જ ફેરામાં વધુ જથ્થામાં માલસામાનના પરિવહનને સક્ષમ બનાવ્યું, જેનાથી ટ્રેન પાથ ની જરૂરિયાત ઘટી અને સંપત્તિનો બહેતર ઉપયોગ સુનિશ્ચિત થયો.
લોંગ-હોલ ટ્રેન, જેના માટે સામાન્ય રીતે બે અલગ-અલગ માલગાડીઓ માટે બે ક્રૂની જરૂર પડે છે, તેને સમગ્ર મુસાફરી દરમિયાન માત્ર એક જ ક્રૂ દ્વારા સંચાલિત કરવામાં આવી હતી. આ ક્રૂનો શ્રેષ્ઠ ઉપયોગ, બહેતર ઓપરેશનલ કાર્યક્ષમતા અને અસરકારક સંસાધન વ્યવસ્થાપનનું પ્રમાણ છે.
રાજકોટ ડિવિઝનલ રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે આ લોંગ-હોલ “મેગા ટ્રેન” નું સફળ સંચાલન માલસામાનની હેરફેરની કાર્યક્ષમતામાં સુધારો કરવા પ્રત્યે ડિવિઝનની પ્રતિબદ્ધતા દર્શાવે છે તથા ભારતીય રેલવેના આધુનિકીકરણ અને દેશના આર્થિક વિકાસમાં તેની ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે.
